IND vs BAN: આ શું! ફિલ્ડિંગ ગોઠવવામાં બાંગ્લાદેશની મદદ કરવા લાગ્યો પંત, વીડિયો વાઇરલ થતાં ફેન્સ પેટ પકડીને હસ્યાં
Image: Facebook
IND vs BAN: બાંગ્લાદેશ સાથે રમાઈ રહેલી ચેન્નઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે અને જીત તરફ આગળ વધી રહી છે. ભારતીય ટીમ 400થી વધુ રનની લીડ મેળવી ચૂકી છે. ચેન્નઈ ટેસ્ટના ત્રીજા દિવસે પહેલા સેશનમાં એક મજેદાર નજારો જોવા મળ્યો, જ્યારે રિષભ પંત અચાનક બાંગ્લાદેશ ટીમની ફીલ્ડિંગ સેટ કરવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય સ્ટાર ક્રિકેટર રિષભ પંત ચેન્નઈ ટેસ્ટમાં તોફાની બેટિંગ કરતો સદી તરફ આગળ વધી રહ્યો છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પંતની વાતો સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ગઈ છે અને તે ફીલ્ડિંગ ગોઠવતો નજર આવી રહ્યો છે. આમાં પંત બોલતો સંભળાઈ રહ્યો છે કે, 'ભાઈ એક આ બાજુ મિડવિકેટ પર આવશે.' પંતે જે સમયે આવું કર્યું, ત્યારે સ્ટ્રાઈક પર શુભમન ગિલ હતો. પંતે ફીલ્ડિંગ ગોઠવવાની સલાહ આપી તો કમેન્ટેટર પણ હસી પડ્યા. કમેન્ટેટર બોલ્યા, 'પંતે કહ્યું કે અહીં ફીલ્ડર આવવો જોઈએ અને બોલરે લગાવી પણ દીધી.' પંતના આ વીડિયો પર ચાહકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને તમામને વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.
ભારતની પાસે 432 રનની લીડ
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રેષ્ઠ કંડીશનમાં છે. બીજી ઈનિંગમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીના આઉટ થયા બાદ ભારતીય ઈનિંગને શુભમન ગિલ અને રિષભ પંતે સંભાળી. પંત અને ગિલે સદીની ભાગીદારી કરી લીધી છે અને લંચ બ્રેકથી પહેલા ભારતે 205/3 રન બનાવી દીધા છે. પરિણામે ટીમ ઈન્ડિયાની પાસે 432 રનની લીડ છે. પંત અને ગિલ બંને સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યાં છે. આ ટેસ્ટ મેચમાં રોહિત એન્ડ કંપની 500 રનની લીડ લીધા બાદ ઈનિંગ જાહેર કરી શકે છે. દરમિયાન હવે બાંગ્લાદેશ માટે આટલા મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવું સરળ રહેવાનું નથી.