Ind vs Eng : જાણો કન્ક્શન સબ્સ્ટીટ્યૂટ રૂલ જેની મદદથી પૂણેમાં ઈંગ્લેન્ડને ટીમ ઈન્ડિયાએ ધૂળ ચટાડી
What Is Concussion Substitute Rule: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાયેલી T20 મેચમાં 15 રનથી જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ ભારતીય ટીમે પાંચ મેચની T20 સીરિઝ પર કબજો જમાવી લીધો છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ છેલ્લા છ વર્ષમાં તેના ઘરઆંગણે કોઈ દ્વિપક્ષીય T20 સીરિઝ નથી હારી. ભારતનો ઘરઆંગણે છેલ્લી T20 સીરિઝનો પરાજય ફેબ્રુઆરી 2019માં ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ત્યારબાદથી ભારતે પોતાના ઘરઆંગણે 17 T20 સીરિઝ રમી છે, જેમાંથી 15માં જીત મેળવી છે અને બે સીરિઝ ડ્રો રહી છે.
કન્ક્શન સબ્સ્ટીટ્યૂટનો કમાલ
પુણે T20માં ભારતીય ટીમની જીતમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હર્ષિતે પોતાના T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ પર ધૂમ મચાવી દીધી હતી. તેણે પોતાની પહેલી જ ઓવરમાં લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યો હતો. લિવિંગસ્ટોનની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. ત્યારબાદ જેકબ બેથેલ અને જેમી ઓવર્ટનને પણ આઉટ કરીને ઈંગ્લેન્ડની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. હર્ષિતે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ખેરવી હતી.
તમને જણાવી દઈએ કે, હર્ષિત રાણા આ મેચમાં કન્ક્શન સબ્સ્ટીટ્યૂટ તરીકે ઉતર્યો હતો. આ મેચ દરમિયાન શિવમ દુબેના સ્થાને તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. બેટિંગ કરતી વખતે શિવમને માથામાં ઈજા પહોંચી હતી. ભારતીય ઈનિંગ્સની છેલ્લી ઓવરમાં જેમી ઓવર્ટનનો પાંચમો બોલ શિવમના હેલ્મેટ પર વાગ્યો હતો. માથામાં ઈજા થયા બાદ તેણે માત્ર એક જ બોલનો સામનો કર્યો હતો. બાદમાં જ્યારે ભારતીય ટીમ બોલિંગ કરવા આવી ત્યારે શિવમને રિપ્લેશ કરી દેવામાં આવ્યો.
કન્ક્શન સબ્સ્ટીટ્યૂટ તરીકે કોઈ ફોર્મેટમાં ડેબ્યૂ (ફૂલ મેમ્બર ટીમ)
બ્રાયન મુડ્ઝિંગન્યામા (ઝિમ્બાબ્વે) vs શ્રીલંકા, હરારે, 2020
નીલ રોક (આયર્લેન્ડ) vs વેસ્ટ ઈન્ડિઝ, કિંગ્સ્ટન 2022
ખાયા ઝોન્ડો (દક્ષિણ આફ્રિકા) vs બાંગ્લાદેશ, ગકેબરહા 2022
મેટ પાર્કિન્સન (ઈંગ્લેન્ડ) vs ન્યુઝીલેન્ડ, લોર્ડ્સ 2022
કામરાન ગુલામ (પાકિસ્તાન) vs ન્યુઝીલેન્ડ, કરાચી 2023
બહિર શાહ (અફઘાનિસ્તાન) vs બાંગ્લાદેશ, મીરપુર 2023
હર્ષિત રાણા (ભારત) vs ઈંગ્લેન્ડ, પુણે 2025
કન્ક્શન સબ્સ્ટીટ્યૂટ રૂલ શું છે?
ICC ના વર્તમાન નિયમો પ્રમાણે જ્યારે કોઈ ખેલાડીને મેચ દરમિયાન મેદાન પર માથામાં કે આંખમાં ઈજા થાય છે ત્યારે કન્ક્શન સબ્સ્ટીટ્યૂટ રૂલ લાગુ પડે છે. જોકે, સબ્સ્ટીટ્યૂટ લાઈક ફોર લાઈક હોવું જોઈએ. ધારો કે કોઈ ફાસ્ટ બોલર ઘાયલ થાય છે, તો તેની જગ્યાએ એક ફાસ્ટ બોલરને જ સામેલ કરવો જોઈએ. આ નિયમના ક્લોઝ 1.2.7.3.4 માં આ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો: જે અંગ્રેજ બોલરને ભારતના વિઝાના ફાંફાં હતા, તેણે 6 બોલમાં ટીમ ઈન્ડિયાની ત્રણ વિકેટ ખેરવી
શું હર્ષિત રાણાને શિવમ દુબેના કન્ક્શન વિકલ્પ ગણી શકાય? કારણ કે હર્ષિત મૂળ રીતે એક ફાસ્ટ બોલર છે, જ્યારે શિવમ બેટિંગ ઓલરાઉન્ડર છે. જો શિવમ પહેલાથી જ કન્કશન ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો તો તેને આગળ બેટિંગ કરવાની મંજૂરી કેમ આપવામાં આવી તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે.
કોમેન્ટ્રી કરી રહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસન અને હર્ષા ભોગલેએ પણ આ મુદ્દા પર ચર્ચા કરી છે. ભોગલેનું માનવું હતું કે, શિવમ દુબે જેવા બેટિંગ ઓલરાઉન્ડર માટે રમનદીપ સિંહ એક ઉત્તમ વિકલ્પ છે. જ્યારે પીટરસને દલીલ કરી હતી કે, 'એક એક્સપર્ટ ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરનું સ્થાન કેવી રીતે લઈ શકે છે. જોસ બટલર હતાશામાં આઉટ થઈ ગયો કારણ કે, તે આ સબ્સ્ટીટ્યૂટથી ખુશ નહોતો.' દુનિયામાં કોઈને પણ પૂછો કે શું હર્ષિત રાણા એક લાઈક ફોર લાઈક રિપ્લેસમેન્ટ હતો? મને એટલો વિશ્વાસ નથી કે કોઈ કહેશે કે હા તે હતો.'
વર્ષ 2020માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી T20 સીરિઝની પહેલી મેચમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. ત્યારબાદ સીરિઝની પહેલી T20Iમાં યુઝવેન્દ્ર ચહલને રવિન્દ્ર જાડેજાના સ્થાને કન્ક્શન સબ્સ્ટીટ્યૂટ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. આ કારણે કાંગારૂ ટીમના તત્કાલીન કોચ જસ્ટિન લેંગરનો મેચ રેફરી સાથે ઝઘડો થયો હતો. ચહલે તે મેચમાં 3 વિકેટ ખેરવીને ભારતને 11 રનથી જીત અપાવી હતી.