IPL 2024: પ્લેઑફમાં વરસાદ પડે તો કઈ ટીમ પહોંચશે ફાઇનલમાં, જાણો નિયમ અને સમીકરણ
IPL 2024 Playoffs Rules: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન અંતિમ તબક્કામાં પહોંચી છે. લીગ તબક્કાની છેલ્લી મેચ 19 મેના રોજ રમાશે અને ત્યારબાદ પ્લેઓફ મેચો શરૂ થશે. લાસ્ટ સ્ટેજ શિડ્યુઅલ પર નજર કરીએ તો પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ રમાશે જ્યારે એલિમિનેટર 22મી મેના રોજ રમાશે. ક્વોલિફાયર-2 24મી મેના રોજ રમાશે અને IPL 2024ની ફાઈનલ મેચ 26 મેના રોજ રમાવાની છે.
જોકે આ સપ્તાહે આપણે IPLના અંતિમ તબક્કાની મેચોમાં વરસાદરૂપી વિધ્ન પણ જોયું છે અને પ્લેઓફમાં પણ વરસાદ નડી શકે છે. 13 મેના રોજ ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ અને GT માટે કપરી સ્થિતિ સર્જાઈ અને ત્યારબાદ 16 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે અનિર્ણિત રહેતા ગુજરાતની ટીમ બહાર ફેંકાઈ હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો IPL 2024ની પ્લેઓફ મેચ દરમિયાન વરસાદ પડે અથવા અન્ય કોઈ કારણસર મેચો યોજાઈ નહિ તો પરિણામ કેવી રીતે આવશે તે જાણવું પણ રસપ્રદ છે. તો આવો જાણીએ IPL Playoffsને લગતા નીતિ-નિયમો...
આઈપીએલના રૂલબુક મુજબ જો ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ક્વોલિફાયર-2માં વરસાદને કારણે ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત રમાઈ ન શકે તો સુપર ઓવરની મદદથી વિજેતાનો નિર્ણય કરવામાં આવશે. જો આ ત્રણેય મેચોમાં સુપર ઓવરને પણ અવકાશ ન મળે તો પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ અનુસાર ફાઈનલિસ્ટ નક્કી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે ધારો કે જો પ્રથમ ક્વોલિફાયર વરસાદને કારણે ધોવાઇ જાય તો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ફાઇનલમાં પહોંચશે કારણ કે તેઓ હવે પોઇન્ટ ટેબલમાં ટોચ પર જ રહેશે.
ફાઈનલ મેચમાં પણ આ જ નિયમ ?
હાલના તબક્કે સ્પષ્ટ નથી કે ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે કે નહીં. જોકે ગત વર્ષે ફાઈનલ મેચ રિઝર્વ ડે પર મુલતવી થઈ હતી. સંભવિત છે કે આ વખતે પણ ફાઈનલના દિવસે વરસાદ અડચણરૂપ બને તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. IPL 2024ની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાવાની છે અર્થાત જો તે દિવસે પરિણામ જાહેર નહીં થાય તો 27મી મેના રોજ ફાઈનલ મેચ યોજાશે.
મહત્વનું છે કે રિઝર્વ ડે પર મેચ અગાઉ જો શરૂ થઈ હોય અને જ્યાંથી અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. જો વરસાદ રિઝર્વ ડેમાં ખલેલ પહોંચાડે અને નિયમિત સમયમાં ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત શક્ય ન થાય તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવર દ્વારા થઈ શકે છે. જો ફાઇનલના રિઝર્વ ડે પર પણ સુપર ઓવર શક્ય ન હોય તો પણ વિજેતાનો નિર્ણય પોઇન્ટ ટેબલના આધારે કરવામાં આવશે અર્થાત ટેબલ ટોપર વિનર જાહેર થશે.
કોણ-કોણ પ્લેઓફમાં ?
શનિવાર સુધીમાં IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. KKR ટોચના સ્થાને જ રહેશે. આજે 18મી મેના રોજ યોજાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની ટીમ પ્લેઓફ માટેની ચોથી ટીમ નક્કી કરશે.
IPL 2024માં ક્વોલિફાયર-1 ટોપ-2 ટીમો વચ્ચે રમાય છે. આમાં હારનાર ટીમને વધુ એક તક મળે છે. તેણે ક્વોલિફાયર-2 રમવું પડશે, જેમાં તેનો સામનો ટેબલમાં ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે.
IPL 2024ની બાકીની મેચોનું શેડ્યૂલ:
18 મે
|
RCB
vs CSK |
બેંગ્લોર |
19 મે
|
SRH
vs PBKS |
હૈદરાબાદ |
19 મે
|
RR vs KKR |
ગુવાહાટી |
21 મે |
ક્વોલિફાયર
-1 |
અમદાવાદ
|
22 મે
|
એલિમિનેટર |
અમદાવાદ |
24 મે
|
ક્વોલિફાયર-2 |
ચેન્નાઈ |
26 મે |
ફાઈનલ |
ચેન્નાઈ |