VIDEO : કોહલીના ફોર્મને શું થયું છે, રોહિતના જવાબથી બધા હસી પડ્યા
Image : IANS |
T20 World Cup 2024: ICC ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી માત આપીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે પરંતુ ટીમ ઈન્ડિયા માટે કોહલીનું ખરાબ ફોર્મ હવે માથાનો દુખાવો બની ચૂક્યુ છે. કોહલીના ફોર્મને લઈને કેપ્ટન રોહિત શર્માએ વાત કરી છે.
ટી20 વર્લ્ડ કપ 2024ની સેમિ ફાઈનલ મેચમાં વિરાટ કોહલી ઈંગ્લેન્ડની ટીમની સામે લગભગ એક સિક્સરથી માત્ર 9 રન જ બનાવી શક્યો અને રીસ ટોપ્લેના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો. કોહલીના ખરાબ ફોર્મ પર રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, આપણે સૌ તેનો ક્લાસ જાણીએ છીએ અને જ્યારે તમે છેલ્લા 15 વર્ષથી રમી રહ્યા હોવ તો ફોર્મ ક્યારેય સમસ્યા રહી નથી.
રોહિતે કોહલીના ખરાબ ફોર્મનો બચાવ કરતાં કહ્યું કે મારા ખ્યાલથી ફાઈનલ માટે તેણે આને બચાવીને રાખ્યું છે. વિરાટ કોહલીનું બેટ અત્યાર સુધી ચૂપ રહ્યું છે. ટી20 વર્લ્ડ કપ 2024માં કોહલીએ અત્યાર સુધી સાત મેચમાં માત્ર 75 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલી બે વખત શૂન્ય પર પેવેલિયન પાછો ફરી ચૂક્યો છે. કિંગ કોહલીએ બાંગ્લાદેશ સામે સૌથી વધુ 37 રનની ઈનિંગ રમી હતી. હવે ટીમ ઈન્ડિયા 29 જૂને સાઉથ આફ્રિકા સામે બારબાડોસના મેદાન પર ફાઈનલ રમશે. જ્યાં ક્રિકેટ ચાહકો કોહલી પાસે વિરાટ અને વિસ્ફોટક ઈનિંગની આશા કરશે.