વિનેશ ફોગાટના સિલ્વર મેડલ મામલે ખુશખબરની આશા! WFIના ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન
WFI Vice PresidentJai Prakash Chaudhary On Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકસમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા તેને ગેરલાયકાત ઠેરવતાં, તેની સામે વિનેશે કરેલી અપીલ પરના નિર્ણયને મંગળવારે રમતગમત માટેના કોર્ટ ઓફ આર્બિટ્રેશનના એડહોક વિભાગે ફરીથી 16 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો હતો. વિનેશને સિલ્વર મેડલ મળશે કે નહીં તે અંગેનો ચૂકાદો કોર્ટ ઓફ આર્બિટ્રેશન મંગળવારે આપવાનું હતું, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજી વખત નિર્ણય આપવાના સમયને મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાના નિર્ણયના વિલંબને લઈને ભારતીય કુશ્તી મહાસંઘના ઉપાધ્યક્ષ જય પ્રકાશ ચૌધરીએ કહ્યું કે, તેમને લાગે છે કે નિર્ણય એથ્લેટની તરફેણમાં આવશે.
જય પ્રકાશ ચૌધરીએ કહ્યું, 'આવું નહોતું થવું જોઈતું. પરંતુ, મને લાગે છે કે વિનેશના પક્ષમાં કંઈક જરૂર આવશે. એવું લાગે છે કે કેટલાક શક્તિશાળી લોકો આ બાબતમાં સામેલ છે અને તેને મેડલ મળશે. હું કહીશ કે તે તેમના સ્ટાફની ભૂલ છે. વજન કેવી રીતે ઓછું કરવું તે તેમનું કામ છે. પરંતુ, આગળ જોઈએ કે 16 ઓગસ્ટે શું થાય છે, મોટા વકીલ ત્યાં હાજર છે, પીએમ મોદીએ પણ આ બાબતની નોંધ લીધી છે, અને મને લાગે છે કે નિર્ણય અમારા પક્ષમાં આવશે.'
ભારતીય ઓલિમ્પિકસ એસોસિએશન અનુસાર, કોર્ટ ઓફ આર્બિટ્રેશનના એડહોક વિભાગના પ્રમુખે વિનેશ ફોગાટ વિરુદ્ધ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ કેસમાં મધ્યસ્થ ડૉ. એનાબેલ બેનેટને પોતાનો નિર્ણય 16 ઓગસ્ટ, 2024 શુક્રવાર સાંજના 6 વાગ્યા સુધી (ભારતીય સમય અનુસાર રાત્રે 9:30)માં આપવા માટેની પરવાનગી આપી છે.
પેરિસ ઓલિમ્પિકસમાં વિનેશ જાપાનની યુઇ સુસાકી સામેની જીત સહિત કુલ ત્રણ જીત સાથે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ અમેરિકાની ગોલ્ડ મેડલ વિજેતા સારાહ હિલ્ડેબ્રાન્ટ સામેની ઇવેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી કારણ કે તે સવારના સમયે તેનું વજન નિર્ધારિત વજનની મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હોવાનું જણાયું હતું.
વિનેશે ગયા બુધવારે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં આ નિર્ણય સામે અપીલ કરી હતી. અને માંગ કરી હતી કે તેને ક્યુબાની રેસલર યુસ્તરેલિસ ગુજમેન લોપેઝ સાથે સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે. લોપેઝ સેમિ ફાઈનલમાં વિનેશ સામે હારી ગઈ હતી પરંતુ બાદમાં વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવતા તેને ફાઇનલમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ વિનેશે રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને કહ્યું કે, મારી પાસે આગળ રમવાની તાકાત નથી. જો કે, વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓએ વિનેશને ટેકો આપ્યો હતો.