કાંગારુંઓનું ઘમંડ ચકનાચૂર, ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવનાર વેસ્ટ ઇન્ડિઝ પહેલી ટીમ બની
શમર જોસેફે બીજી ઇનિંગમાં 11.5 ઓવરમાં 68 રન આપીને 7 વિકેટ ઝડપી
વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 2 મેચની ટેસ્ટ સીરિઝ 1-1થી ડ્રો રહી
Image: Twitter |
WI vs AUS : વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં 8 રને રોમાંચક જીત નોંધાવી હતી. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ હતી. બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 216 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તે બીજી ઇનિંગમાં 55.5 ઓવરમાં 207 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ 146 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 91 રન બનાવીને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 1997 પછી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. ક્રેગ બ્રેથવેટની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડિઝે વધુ એક સિદ્ધિ મેળવી છે.
ઓસ્ટ્રેલિયાને ડે-નાઈટ ટેસ્ટમાં હરાવનારી વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ ટીમ બની
વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયામાં ડે-નાઈટ ટેસ્ટ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ઘરઆંગણે કુલ 12 ડે-નાઈટ ટેસ્ટ રમી જેમાં સતત 11 મેચોમાં જીત મેળવી હતી. પરંતુ 12મી ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2015માં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે તેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમી હતી, જેમાં 3 વિકેટથી જીત મેળવી હતી. તે પછી ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા જેવી ટીમોને હરાવી હતી. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારતને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
શમર જોસેફની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા ઘૂંટણિયે
બ્રિસબેન ટેસ્ટની વાત કરીએ તો શમર જોસેફે જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે બીજી ઇનિંગમાં 11.5 ઓવરમાં 68 રન આપીને 7 વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે લાવી દીધું હતું. એક સમયે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે લાગી રહ્યું હતું, પરંતુ કેમરન ગ્રીન (42)ના આઉટ થયા બાદ વિકેટો પડવાનો ક્રમ હાર સાથે સમાપ્ત થયો. ઓસ્ટ્રેલિયાની ખરાબ સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 6 ખેલાડીઓ ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. મિચેલ સ્ટાર્કે 21 રન અને ઓપનર ઉસ્માન ખ્વાજાએ 10 રનનું યોગદાન આપ્યું હતું. શમરને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ સીરિઝ 1-1થી ડ્રો રહી હતી.