અમે 3 ઓવરમા 45 રનનો લક્ષ્ય બનાવી રહ્યા હતા: શુભમન ગીલ
રાજસ્થાનના હોમગ્રાઉન્ડ પર બુધવારે સાંજે યોજાયેલ મેચમાં GTએ શાનદાર જીત હાંસલ કરી છે. 197 રનના મજબૂત લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાનના રજવાડાના વિજયરથને અટકાવતા ગુજરાત ટાઇટન્સ (GT)એ સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં છેલ્લા બોલે રોમાંચક જીત હાંસલ કરી છે. વચ્ચેની ઓવરમાં ધીમી બેટિંગ અને મજબૂત સ્થિતિમાં ટીમને ટકાવી રાખવાના રિસ્ક અંગે શુભમન ગિલે મેચ બાદ મહત્વનો ખુલાસો કર્યો હતો. ગુજરાતની ટીમના કેપ્ટને કહ્યું કે ટીમની માનસિકતા છેલ્લી ત્રણ ઓવરમાં 45 રનનો પીછો કરવાની હતી.
શુભમન ગિલે ગિલે આ મેચમાં 197ના ટાર્ગેટ સામે ટીમ તરફથી સર્વાધિક 44 બોલમાં 72 રન બનાવીને ચેઝનું નેતૃત્વ કર્યું હતું. જોકે મેચના મહત્વના મોડ પર ગીલના આઉટ થવા પર RR ઘરઆંગણે જીત માટે ફેવરિટ બની ગઈ હતી પરંતુ હજી પણ આશા IPLના ગ્રેટ ફિનિશર બની ચૂકેલા રાહુલ તેવટિયા અને રાશિદ ખાન પર ટકેલી હતી. 15 બોલમાં 40 રનની જરૂર હતી તે સમયે રાશિદ બેટિંગ માટે આવ્યો હતો અને ઝંઝાવાતી 11 બોલમાં 24 રન બનાવ્યા જ્યારે રાહુલ તેવટિયાએ 22 રન બનાવ્યા અને છેલ્લા બોલ પર ત્રણ વિકેટે જીત હાંસલ કરી હતી.
3 ઓવર 45 રનનો ટાર્ગેટ :
મેચના મેજિક મોમેન્ટ વિશે ગિલે કહ્યું કે 'અમે ત્રણ ઓવરમાં 45 રનનો ટાર્ગેટ નક્કી કર્યો હતો અને વિચાર્યું હતુ કે તે હાંસલ કરી શકાય તેમ છે. 15 રન પ્રતિ ઓવર (એટલે કે) તમારે એક ઓવરમાં માત્ર બે હિટની જ જરૂર છે અને અમે આ માનસિકતા સાથે જ રમ્યાં અને ગણતરી સાચી રહી હતી. બંને બેટ્સમેનોએ 9 બોલમાં 22 રન બનાવવા પડે અને જોઈએ તો આ કેલ્કયુલેશનમાં 9 બોલમાં ત્રણ હિટની જરૂર હોય છે. જો ગમે તે એક બેટ્સમેનનો દિવસ હોય તો જોશો કે મેચ બે કે ત્રણ બોલમાં જ સમાપ્ત થઈ જશે. આ એક નજરે ભારે ટાર્ગેટ છે પરંતુ જો તમારી પાસે એક એક્સટ્રા બેટ્સમેન હોય તો ચોક્કસપણે ફરક પડે છે અને તમામ ગણતરી અને એક્ઝિક્યુએશન વધુ સરળ બની જાય છે.’
ગિલે વિશ્વની બેસ્ટ સ્પિન જોડી ગણાતા અને RRની ટીમનો આધાર રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ સામે રન ફટકારતા રાજસ્થાન બેકફૂટ પર આવી ગઈ હતી. જોકે 16મી ઓવરમાં લેગ સ્પિનર ચહલે ગિલને પેવેલિયન ભેગો કર્યો હતો. ગિલે આ અંગે કોમેન્ટરીમાં જણાવ્યું કે હું જાતે જ મેચ ગુજરાતની તરફેણમાં સમાપ્ત કરવા માંગતો હતો. 'મને (એકલા) જ ગેમ પૂરી કરવી ગમશે પરંતુ જે રીતે રાશિદ ભાઈ અને રાહુલ ભાઈએ અમારી ગેમ પૂરી કરીને જીત અપાવી તેનાથી હું કેપ્ટન અને ટીમમેટ તરીકે ખૂબ જ ખુશ છું.
છેલ્લી કેટલીક મેચોમાં પણ મને લાગ્યું હતુ કે અમે 50%થી વધુ ગેમ પર પ્રભુત્વ ધરાવતા હતા, છતા હાર્યા અને ખરાબ બાબત એ હતી કે અમે ખરેખર ખરાબ ક્રિકેટ રમ્યા અને તેથી જ હાર્યા. આ મેચમાં પણ સ્થિતિ કઈંક આવી જ હતી પરંતુ સકારાત્મક માનસિકતાના જોરે પાછળ હોવા છતા અમે છેલ્લા બોલ પર મેચ જીત્યાં. આ પ્રકારની વીનિંગ મેચ હંમેશા એક મહાન લાગણી હોય છે.