Get The App

VIDEO : વિકેટ લેવા કોહલીનો ટોટકો કામ કરી ગયો, બુમરાહે નેક્સ્ટ ઓવરમાં જ જ્યોર્જીને કર્યો આઉટ

ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 245 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી

કે.એલ રાહુલે ભારત તરફથી શાનદાર સદી ફટકારી હતી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
VIDEO : વિકેટ લેવા કોહલીનો ટોટકો કામ કરી ગયો, બુમરાહે નેક્સ્ટ ઓવરમાં જ જ્યોર્જીને કર્યો આઉટ 1 - image
Image:Screengrab

IND vs SA 1st Test :  સેન્ચુરિયનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં જસપ્રીત બુમરાહે એડન માર્કરમને આઉટ કરીને સાઉથ આફ્રિકાને પહેલો ઝટકો આપ્યો હતો. પરંતુ તે પછી ડીન એલ્ગર અને ટોની ડી જ્યોર્જીએ શાનદાર ભાગીદારી કરી ટીમના સ્કોરને આગળ વધાર્યો અને 28 ઓવરમાં 100 રન બનાવી દીધા હતા. ભારતીય બોલરોને વિકેટ મળી રહી ન હતી. પરંતુ તે પછી વિરાટ કોહલીએ કંઇક એવું કર્યું જેથી આગલા જ ઓવરમાં બુમરાહે જ્યોર્જીને પવેલિયન ભેગો કરી દીધો હતો.

ટીમને વિકેટ અપાવવા માટે વિરાટે અપનાવી આ યુક્તિ

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાને ઝટકો આપવા માટે સ્ટુઅર્ટ બ્રોડની યુક્તિ અપનાવી હતી. તેણે 28મી ઓવર પછી બેઈલની સ્થિતિ બદલી. ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ આ વર્ષે એશિઝ સિરીઝ દરમિયાન ઘણી વખત આવું કરતો જોવા મળ્યો હતો. આ પછી તેને વિકેટ પણ મળી હતી. ભારતીય ટીમ સાથે પણ આવું જ થયું. બુમરાહે તેની આગલી જ ઓવરમાં જ્યોર્જીને આઉટ કર્યો હતો. યશસ્વી જયસ્વાલે સ્લિપમાં જ્યોર્જીનો કેચ લીધો હતો. તેણે 62 બોલમાં 28 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

કે.એલ રાહુલે ફટકારી શાનદાર સદી

સાઉથ આફ્રિકાએ બીજા દિવસની રમતના અંત સુધી 11 રનની લીડ મેળવી લીધી હતી. દિવસના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 5 વિકેટના નુકસાને 256 રન હતો. ડીન એલ્ગર 140 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની સાથે માર્કો જેન્સન ક્રિઝ પર છે. બુમરાહ અને સિરાજને 2-2 વિકેટ મળી હતી. ડેબ્યુ કરનાર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ 1 વિકેટ મળી હતી. ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ 245 રન પર સમાપ્ત થઇ હતી. કે.એલ રાહુલે 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા તરફથી રબાડાએ 5 વિકેટ ઝડપી હતી.

VIDEO : વિકેટ લેવા કોહલીનો ટોટકો કામ કરી ગયો, બુમરાહે નેક્સ્ટ ઓવરમાં જ જ્યોર્જીને કર્યો આઉટ 2 - image


Google NewsGoogle News