VIDEO: ધોની... ધોનીના નારાથી સ્ટેડિયમ ગુંજ્યું, એટલો અવાજ થયો કે KKRના ખેલાડીને કાને હાથ મુક્વા પડ્યા
Image:Screengrab |
Andre Russell Closed His Ears : IPL 2024ની 22મી મેચમાં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. CSKને તેના હોમ ગ્રાઉન્ડ પર દર્શકો દ્વારા મળેલા સપોર્ટને જોઇને KKRના ખેલાડીઓ ચોંકી ગયા હતા. ખાસ કરીને જયારે ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન એમ.એસ ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ધોની…ધોનીના નારાથી સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું.
ધોનીના નામથી સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું
KKR સામે મેચ જીતવા ચેન્નઈને ત્રણ રનની જરૂર હતી, ત્યારે વૈભવ અરોડાએ શિવમ દુબેને બોલ્ડ કરી દીધો હતો. આ પછી ધોની બેટિંગ કરવા આવ્યો હતો. ધોનીની બેટિંગ જોવાની આશા સાથે મેદાનમાં આવેલા દર્શકોનું સપનું પૂરું થયું. જો કે ધોનીએ 3 બોલનો સામનો કરી એક રન બનાવ્યો હતો. પરંતુ ધોનીને બેટિંગ કરતા જોઈ દર્શકોનો ઉત્સાહ એટલો વધી ગયો કે તેઓ સતત શોર મચાવી રહ્યા હતા. ઘોંઘાટ એટલો હતો કે KKRના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને કાન ઢાંકવા પડ્યા હતા. તે બાઉન્ડ્રી લાઇન પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. રસેલનો કાન પર હાથ મુકવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોઈસ મીટર પર 125dbનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો
ધોની હેલ્મેટ પહેરીને અને હાથમાં બેટ લઈને મેદાનમાં આવ્યો અને પછી સ્ટેડિયમમાં જે અવાજ સંભળાયો તે સુનામીથી ઓછો ન હતો, કારણ કે જે સમયે ધોની બેટિંગ કરવા માટે ક્રિઝ પર પહોંચ્યો ત્યારે નોઈસ મીટર પર 125dbનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે માનવ કાન માટે ઘાતક સાબિત થઈ શકે છે.