Get The App

ટી20 વર્લ્ડકપ પછી રોહિત-વિરાટ બંને સંન્યાસ લઈ લેશે: પૂર્વ ક્રિકેટરના દાવાથી ખળભળાટ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Rohit Sharma and  Virat Kohli


Former Indian Cricketer Wasim Jaffer Prediction: T20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. આ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, 'બંને સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડકપ 2024 બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.'  નોંધનીય છે કે, રોહિત અને વિરાટે જાન્યુઆરી 2024માં T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી હતી. T20 વર્લ્ડકપ 2022ના અંત પછી બંને ટૂંકા ફોર્મેટથી દૂર રહ્યા હતા. જો કે, રોહિત અને કોહલીએ ટી20 વર્લ્ડકપ 2024ને ધ્યાનમાં રાખીને આ ફોર્મેટમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. 

પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે શું કહ્યું?

પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'એવું બની શકે છે કે આ બંને ખેલાડી (રોહિત અને વિરાટ)ઓ વર્તમાન વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. આખરે આ નિર્ણય રોહિત-વિરાટ અને પસંદગીકારોએ લેવો પડશે. પરંતુ મને લાગે છે કે આ બંને માટે આ છેલ્લો T20 વર્લ્ડકપ હોઈ શકે છે. હું માનું છું કે અમે તેમને છેલ્લી વખત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમતા જોઈ રહ્યા છીએ. જો કે, રોહિત અને કોહલી IPLમાં રમવાનું ચાલુ રાખશે. તેમણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 155 મેચમાં 4073 રન બનાવ્યા છે. કોહલીએ 2010માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 122 મેચમાં 4103 રન બનાવ્યા છે.'

શું વિરાટ કોહલી 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારશે?

વિરાટ કોહલીની 100 આંતરરાષ્ટ્રીય સદીની ભવિષ્યવાણી કરતા વસીમ જાફરે કહ્યું કે, 'મને લાગે છે કે વિરાટ કોહલી 100 આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરશે. તેમની પાસે હજુ પણ ઘણો સમય છે. તે ખૂબ જ ફિટ છે. મને 100 ટકા આશા છે કે તે 100 સદીઓ પાર કરી લેશે.' નોધનીય છે કે,  વિરાટ કોહલીના નામે હાલમાં 80 આંતરરાષ્ટ્રીય સદી છે. તેમણે ODIમાં 50, ટેસ્ટમાં 29 અને T20 ઈન્ટરનેશનલમાં એક સદી ફટકારી છે. કોહલી એવો ક્રિકેટર છે જેણે વનડેમાં સૌથી વધુ સદી ફટકારી છે. તેમણે ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં સચિન તેંડુલકર (49)નો રેકોર્ડ તોડ્યો હતો. 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર સચિન એકમાત્ર ખેલાડી છે.


Google NewsGoogle News