VIDEO : કોહલી-બાબરની મિત્રતાનો વીડિયો જોઈને ભડક્યા વસીમ અકરમ, કહ્યું- હાર્યા પછી આવું ન કરવું જોઈએ
ભારતે સતત 8મી વખત પાકિસ્તાનને ODI World Cupમાં હરાવ્યું છે
વિરાટ અને બાબરની મિત્રતા જોઇને બંને દેશના ફેન્સ ખુબ ખુશ થયા હતા
Image:Social Media |
World Cup 2023 IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે રમાયેલી ODI World Cup 2023ની મેચમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે સતત 8મી વખત પાકિસ્તાનને ODI World Cupમાં હરાવ્યું છે. પાકિસ્તાનની ટીમ માત્ર 191ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 117 બોલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી. ભારતની જીત બાદ મેદાન પર એક શાનદાર દૃશ્ય જોવા મળ્યો હતો. ભારતીય ટીમ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ વચ્ચે વાતચીત થતા જોવા મળી હતી. આ દરમિયાન વિરાટે સાઈન કરેલી જર્સી બાબરને ગિફ્ટ આપી હતી. જેનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વિરાટ-બાબરની મિત્રતા જોઈ બંને દેશોના ફેન્સ ખુશ થયા
વિરાટ અને બાબરની મિત્રતા જોઇને બંને દેશના ફેન્સ ખુબ ખુશ થયા હતા. જો કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વસીમ અકરમએ બાબર અને કોહલી ની મિત્રતા પસંદ આવી ન હતી. વસીમે બાબર(Wasim Akram Criticize Babar Azam)નો ઉધડો લીધો હતો. અકરમનું માનવું હતું કે આ કારમી હાર પછી બાબર આઝમે આ બધી બાબતો મેદાન પર ન કરવી જોઈતી હતી.
આજે આવું કરવાનો દિવસ નહોતો - વસીમ અકરમ
પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે એક પાકિસ્તાની ટીવી શોમાં ક્રિકેટ ફેન્સના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, 'જ્યારે મેં જર્સી લેવાની તસવીર જોઈ ત્યારે મેં જ કહ્યું હતું કે આજે આવું કરવાનો દિવસ નહોતો. જો તમારા કાકાના દીકરાએ તમને કોહલીની જર્સી લાવવાનું કહ્યું હોય તો - મેચ પછી ડ્રેસિંગ રૂમમાં લઇ લેવી જોઈતી હતી.'