1329 દિવસ પછી આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં વાપસી, આવતાવેંત જ ખેરવી સાત વિકેટ
IND vs NZ Test Series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે (24 ઓક્ટોબર) ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ ગૌતમ ગંભીરે મોટો દાવ લગાવી 1329 દિવસ બાદ સુંદરને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. રોહિત અને ગંભીરના આ નિર્ણયની અનેક ક્રિકેટ દિગ્ગજોએ ટીકા કરી હતી. જો કે, વોશિંગ્ટન સુંદરે વાપસી કરતાં જ તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે ભારતીય ટીમમાં આવતાવેંત જ ન્યૂઝીલેન્ડની સાત વિકેટ ખેરવી રોહિત અને ગંભીરના નિર્ણયને યોગ્ય સાબિત કર્યું છે.
વોશિંગ્ટન સુંદરનું તોફાની કમબેક
વોશિંગ્ટન સુંદરે રોહિત અને ગંભીરની અપેક્ષાઓ પર ખરો ઉતરી પોતાની કમબેક મેચમાં તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડના બેટિંગ ફોર્મેટની કમર ભાંગી નાખી છે. પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની સાત વિકેટ ઝડપી સુંદર ભારતના સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો છે. આ સાથે તેણે તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. નોંધનીય છે કે, સુંદરે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં પાંચથી વધુ વિકેટ ઝડપી હોય એવો આ પહેલો પ્રસંગ છે.
આ પણ વાંચોઃ રવિચંદ્રન અશ્વિનનો વર્લ્ડ રેકોર્ડ, WTC ઈતિહાસમાં કર્યું મોટું કારનામું
ન્યૂઝીલેન્ડના સ્ટાર ખેલાડીઓ શિકાર
વોશિંગ્ટન સુંદરે આ મુકાબલામાં સૌપ્રથમ ન્યૂઝીલેન્ડના સ્ટાર યુવા ખેલાડી રચિન રવિન્દ્રની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ તેણે ટોમ બ્લંડલ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, એઝાઝ પટેલ અને મિચેલ સેન્ટનર જેવા સ્ટાર ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા છે. ખાસ વાત એ છે કે સુંદરે તેની સાત વિકેટમાંથી પાંચ ક્લિન બોલ્ડ કરીને ઝડપી હતી.
પ્લેઇંગ 11માં સામેલ કરાતા સવાલ ઉઠ્યા હતા
આ મેચની શરૂઆત પહેલા વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ 11માં સ્થાન આપવા અંગે અનેક સવાલો ઉઠ્યા હતા. હકિકતમાં, વોશિંગ્ટન સુંદરે આ મેચમાં કુલદીપ યાદવની જગ્યા લીધી હતી. આવી સ્થિતિમાં ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે પણ આ નિર્ણયને ખોટું ગણાવ્યું હતું. પરંતુ વોશિંગ્ટન સુંદરે તેના પ્રદર્શનથી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેના કારણે જ ન્યૂઝીલેન્ડ પહેલી ઇનિંગમાં 259 રન પર ઓલઆઉટ થઇ હતી. આ મેચમાં સુંદર ઉપરાંત અશ્વિને પણ ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ રોહિતનો નિર્ણય ગાવસ્કરને પસંદ ન આવ્યો, 1329 દિવસ બાદ આ ખેલાડીને મળ્યું ટીમમાં સ્થાન