VIDEO: ભારત-માલદીવ વિવાદ વચ્ચે ધોનીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે તેનું કારણ
નવી મુંબઇ,તા. 8 જાન્યુઆરી 2024, સોમવાર
ગયા અઠવાડિયે PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો પર માલદીવના મંત્રીઓની કેટલીક ટિપ્પણીઓને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન સામાન્ય માણસથી માંડીને ફિલ્મ, રમતગમત, ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે સંકળાયેલી હસ્તીઓ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીરેન્દ્ર સેહવાગથી લઈને ઈરફાન પઠાણ સુધીના ઘણા ક્રિકેટરોએ ભારત અને પીએમ મોદીના આ અપમાન પર નિરાશા વ્યક્ત કરી છે. આ બધાની વચ્ચે MS ધોનીનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સ પીએમ મોદી પર માલદીવના મંત્રીઓની ટિપ્પણીને શરમજનક ગણાવી રહ્યા છે. યુઝર્સે ભારતીયોને માલદીવને બદલે ભારતમાં પર્યટન માટે અલગ-અલગ સુંદર સ્થળો પસંદ કરવા વિનંતી કરી છે. ભારતની ઘણી મોટી હસ્તીઓ પણ માલદીવને બદલે ભારતમાં ફરવાની સલાહ આપી રહી છે. આ ક્રમમાં ધોનીના જૂના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં ધોની કહેતો જોવા મળી રહ્યો છે કે, હવે તે પહેલા ભારતભરમાં ફરવા માંગે છે.
ધોની આ વીડિયોમાં કહી રહ્યો છે કે, મેં ઘણી મુસાફરી કરી પરંતુ રજાઓ માણવા માટે નહીં. મારા ક્રિકેટ રમવાના દિવસો દરમિયાન, મેં જુદા જુદા દેશોની મુલાકાત લીધી, પરંતુ મેં ખાસ કંઇ જોયુ નથી. કારણ કે મારું ધ્યાન ફક્ત ક્રિકેટ પર હતું. મારી પત્નીને મુસાફરી કરવી ગમે છે. તો હવે મારો પ્લાન એ છે કે, સમય મળે તો આપણે મુસાફરી કરીએ. અમે ભારતને જોઈને અમારી યાત્રા શરૂ કરવા માંગીએ છીએ. આપણી પાસે અહીં ઘણી સુંદર જગ્યાઓ છે. તેથી હું બીજે ક્યાંય જતા પહેલા ભારત જોવા માંગુ છું.
ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે ભારતીય યુઝર્સ લખી રહ્યા છે કે માલદીવને બદલે પહેલા ભારતના પ્રવાસન સ્થળોની મુલાકાત લો. ધોની પણ આવું જ કહી રહ્યો છે.
શું છે વિવાદ?
PM મોદીએ 4 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. આ પછી લોકો કહેવા લાગ્યા કે, હવે ભારતીયોએ માલદીવ નહીં પણ લક્ષદ્વીપ જવું જોઈએ. આ વિષય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ દરમિયાન માલદીવની મુઈઝુ સરકારમાં મંત્રી મરિયમ શિયુનાએ કેટલીક વાંધાજનક ટ્વીટ કરી હતી.
અહીં તેમણે PM મોદીની મજાક પણ ઉડાવી હતી. આ સિવાય તે લક્ષદ્વીપની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા. તેમના પછી માલદીવના નેતાઓ માલશા શરીફ અને મહજૂમ માજીદે પણ કેટલીક વાંધાજનક પોસ્ટ કરી હતી.