T20 વર્લ્ડકપમાં પણ નીતિશ કુમારનાં નામની ચર્ચા, સેહવાગે પણ લીધી મજા, જુઓ શું કહ્યું
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં એક તરફ T-20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે તો બીજી તરફ દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. પરિણામમાં બીજેપીના નેતૃત્વમાં NDAને બહુમતી મળી છે, જેમાં બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ 12 સીટો જીતી છે. આવી સ્થિતિમાં સરકાર બનાવવી તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. નીતિશ કુમારને લઈને સોશિયલ મીડિયામાં ઘણા મીમ બની ચૂક્યા છે તો ઘણી ચર્ચાઓ અને ડિબેટો પણ ચાલી રહી છે.
બીજી તરફ T-20 વર્લ્ડ કપમાં અમેરિકન ક્રિકેટ ટીમમાં ટીમમાં નીતિશ કુમાર નામનો એક ખેલાડી પણ સામેલ છે. પાકિસ્તાન અને અમેરિકાની મેચ અગાઉ નીતિશ કુમારનાં નામની ચર્ચા થઈ હતી. પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની સામે આ ખેલાડીનું નામ આવતા જ તે હસવા લાગ્યો હતો અને તેનાં સેન્સ હ્યુમરનો પરિચય કરાવતા હળવી મજાક પણ કરી હતી.
સેહવાગે કહ્યું આજના સમયનું મહત્વનું નામ
પાકિસ્તાન અને USA વચ્ચેની મેચ પહેલા ક્રિકબઝ શોમાં યુએસએની ટીમની ચર્ચા થઈ રહી હતી. ચર્ચા દરમિયાન જ્યારે અમેરિકન ખેલાડીનું નામ સામે આવ્યું તો શોના હોસ્ટ ગૌરવ કપૂરે ત્રીજા નંબરના ખેલાડીનું નામ જોયું અને સેહવાગને બતાવ્યું. તે ખેલાડીનું નામ નીતિશ કુમાર હતું. જ્યારે સેહવાગે આ નામ જોયું ત્યારે તેણે હસીને કહ્યું હતું કે, 'આ નામ 'આજના સમયનું સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે.' ત્યાર પછી ગૌરવ કપૂરે કહ્યું હતું કે તેના વિના ટીમ બની શકે નહીં. આ સાંભળીને શોમાં બેઠેલા ઝહીર ખાન પણ હસી પડ્યા.
All eyes on #NitishKumar 👀@virendersehwag & @ImZaheer share their thoughts, on #CricbuzzLive Hindi#T20WC #USAvPAK pic.twitter.com/v6UgQtAETk
— Cricbuzz (@cricbuzz) June 6, 2024
કોણ છે નીતીશ કુમાર?
નીતિશ કુમાર યુએસએ ટીમનો એક મહત્વપૂર્ણ ઓલરાઉન્ડર ક્રિકેટર છે. અમેરિકામાં જન્મેલા આ ખેલાડીના માતા-પિતા ભારતીય મૂળના છે. 2011માં યુએસએ તરફથી ડેબ્યૂ કરનાર નીતિશ કુમાર એક સારો ઓલરાઉન્ડર છે. તેણે 23 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 518 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં તેણે 7 વિકેટ ઝડપી છે. જો કે કેનેડા સામેની મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. પાકિસ્તાન સામેની મેચમાં તેણે 14 રનનો સ્કોર બનાવ્યો હતો અને ટીમ ટોટલને ટાઈ કરવામાં ફાળો આપ્યો હતો.
પાકિસ્તાનને આ મેચમાં પછાડીને અમેરિકાની ટીમે ઇતિહાસ રચી દીધો હતો. બંને ટીમનો સ્કોર સરખો થતાં સુપર ઓવર રમાઈ હતી જેમાં મોહમ્મદ આમિરે 18 રન આપ્યા હતા અને ઘણા બધા વાઈડ નાખ્યા હતા. ત્યાર બાદ અમેરિકન ટીમનાં બોલર સૌરભ નેત્રવલકરે પાકિસ્તાનને સુપર ઓવરમાં 19 રનનો સ્કોર ચેઝ કરવા દીધો નહોતો.