'અમ્પાયર સાથે સેટિંગ હોય તો આઉટ થતાં બચી શકો છો..' ભારતના પૂર્વ વિસ્ફોટક બેટરે કર્યો ધડાકો!
Virendra Sehwag on Umpire setting : ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટર વીરેન્દ્ર સેહવાગે મોટો ખુલાસો કરતાં તેના રમતના દિવસો યાદ કર્યા હતા. સેહવાગે જણાવ્યું કે તે અમ્પાયરો સાથે કેવી રીતે સેટિંગ કરતો હતો. આ દરમિયાન સેહવાગે એક એમ્પાયર સાથે એ મેચનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં એમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. સેહવાગે કહ્યું કે ‘હું ફક્ત અમ્પાયરને જે ભોજન પસંદ હોય, તેનું સેટિંગ કરી આપતો.’
વીરુએ સંભળાવ્યો મજેદાર કિસ્સો
વીરેન્દ્ર સેહવાગે એક વાતચીતમાં એ મેચનો કિસ્સો સંભળાવ્યો જ્યાં અમ્પાયરને આઈસ્ક્રીમ ખવડાવી પટાવ્યો હતો. સેહવાગે કહ્યું કે ‘એક અમ્પાયર હતા, ઈંગ્લેન્ડના ડેવિડ શેફર્ડ. તેમને આઈસ્ક્રીમ ખાવાનો ઘણો શોખો હતો. હું તેમને પ્રેગનેન્ટ મેન કહીને બોલાવતો હતો. હું તેમને પૂછતો હતો કે પ્રેગનેન્ટ મેન કેમ છો? એ પણ એવી રીતે જવાબ આપતા હતા કે, એકદમ મસ્ત છું ડ્રાઈવર. એકવાર મેં તેમને ચા વિશે પૂછ્યું. તો તેમણે મને કહ્યું કે મને ચા પસંદ નથી, પણ આઈસ્ક્રીમ ખૂબ પસંદ છે. બસ, આટલું સાંભળતા જ હું એક ઓવર માટે મેદાન બહાર ગયો અને કેટરરને બોલાવી કહ્યું કે જ્યારે અમ્પાયર મેદાન બહાર જાય ત્યારે તેમના રુમમાં આઈસ્ક્રીમ મોકલી આપજે. જો એમ નહીં કરે તો પંજાબના પ્રેસિડેન્ટને કહીને તારો કોન્ટ્રાક્ટ કેન્સલ કરાવી દઈશ.’
ટી બ્રેક પડ્યો અને અમ્પાયરે મેદાન પર આવીને કહ્યું...
સેહવાગે કહ્યું કે ‘ટેસ્ટ મેચમાં ટી બ્રેક પડ્યો તો મેં અમ્પાયરને કહ્યું કે જાઓ એન્જોય કરજો. ત્યાર પછી બ્રેક પૂરો થતાં ડેવિડ શેફર્ડ મેદાનમાં અને મેં પૂછ્યું કે ચા કેવી હતી? તો તેમણે કહ્યું કે મેં ચા નથી પીધી પણ આઈસક્રીમ મસ્ત હતો. થેન્ક યુ વીરુ.’ ત્યારબાદ અમ્પાયર મારા ફેન બની ગયા અને અમારી સારી મિત્રતા થઈ ગઇ. ત્યાર પછી આ મિત્રતા કામ લાગી અને તેમણે એક-બે વખત મને આઉટ ન આપ્યો.
સેહવાગે એક બે ઘટના પણ જણાવી
આ અંગે વધુ વાત કરતા સેહવાગે કહ્યું કે ‘નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં હું એકવાર આઉટ હતો પણ અમ્પાયર ડેવિડ શેફર્ડ હતા અને તેમણે મને આઉટ ન આપ્યો. એટલા માટે હું કહું છું કે તમારી અમ્પાયર સાથે મિત્રતા કે સેટિંગ હોય તો તમને એક કે બે તક મળી શકે છે જેનો લાભ ઉઠાવવાનું કામ તમારું છે.’ સેહવાગે મોહાલીમાં રમાયેલી મેચનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ મેચમાં પણ એકવાર સેહવાગને અમ્પાયરે આઉટ નહોતો આપ્યો.