પુલવામા હુમલામાં પિતા શહીદ, દીકરાની જવાબદારી સહેવાગે ઉપાડી, હવે અંડર-19 ટીમમાં પસંદગી
Virender Sehwag posts On Rahul Soreng : પુલવામામાં થયેલા આતંકી હુમલાને 6 વર્ષ થયા. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલું વાહન આરપીએફ જવાનોને લઈ જતી બસ સાથે અથડાવ્યું હતું. આ અથડામણ પછી એક મોટો વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે હૃદયને સ્પર્શે તેવો નિર્ણય કર્યો હતો. જેમાં સહેવાગે પુલવામા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના બાળકોને ભણવવામાં થતાં ખર્ચની જવાબદારી લીધી અને તેને ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે.
રાહુલ સોરેંગની હરિયાણા અંડર-19 ટીમમાં પસંદગી
રાહુલ સોરેગં અને અર્પિત સિંહ ઝજ્જર સ્થિત સહેવાગ ઈન્ટરનેશન સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. રાહુલના પિતા વિજય સોરેંગ અને અપિત સિંહનાપિતા રામ વકીલ પુલવામા આંતકવાદી હુમલામાં શહીદ થયા હતા. રાહુલ સોરેંગ હવે ક્રિકેટની દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. રાહુલ સોરેંગની તાજેતરમાં હરિયાણા અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. આ માહિતી ખુદ વીરેન્દ્ર સહેવાગે આપી છે.
સહેવાગે પોસ્ટ શેર કરી શું કહ્યું?
પુલવામા હુમલાના છઠ્ઠા વર્ષે વીરેન્દ્ર સહેવાગે એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને લખ્યું કે, 'આ દુઃખદ દિવસને 6 વર્ષ થઈ ગયા છે. આપણા બહાદુર સૈનિકોની શહાદતની ભરપાઈ થઈ શકતી નથી, પરંતુ શહીદ વિજય સોરેંગના પુત્ર રાહુલ સોરેંગ અને શહીદ રામ વકીલના પુત્ર અર્પિત સિંહ છેલ્લા 5 વર્ષથી સહેવાગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં છે, જે સૌથી સંતોષકારક લાગણીઓમાંની એક છે. રાહુલની તાજેતરમાં હરિયાણા અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. તમામ બહાદુરોને નમન.'
વીરેન્દ્ર સેહવાગની આ પોસ્ટ માત્ર રાહુલ સોરેંગની સિદ્ધિની ઉજવણી જ નથી કરતી પરંતુ ભારતીય સૈનિકોના બલિદાન અને તેમના પરિવારોને સમર્થન આપવાના મહત્ત્વ પર પણ પ્રકાશ પાથરે છે. રાહુલની યાત્રા આશાનું કિરણ છે અને એ યાદ અપાવે છે કે એક સાર્થક પહેલ થકી યુવા પ્રતિભાવોને તેમના સપનાઓ પૂરા કરવા માટે સશક્ત બનાવી શકે છે. રાહુલે શાળામાં સખત તાલીમ લીધી છે અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પોતાની ક્રિકેટ કુશળતાને નિખારી છે. તેની મહેનત અને દૃઢ નિશ્ચયને કારણે હવે તેને હરિયાણા અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું છે, જે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.
આ પણ વાંચો: IPL 2025: RCB બાદ હવે KKR પણ આપશે સરપ્રાઇઝ! 36 વર્ષનો ખેલાડી બની શકે છે કેપ્ટન
રાહુલ સોરેંગ ઝારખંડના ગુમલા જિલ્લામાંથી આવે છે. રાહુલના પિતા શહીદ વિજય સોરેંગ CRPFની 82મી બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલના પદ પર હતા. 1993માં તેઓ સેનામાં ભરતી થયા હતા અને 1995માં SPGકમાન્ડો ટુકડીમાં જોડાયા. જ્યારે અર્પિત સિંહના પિતા શહીદ રામ વકીલ 176મી બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. અર્પિત ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાનો રહેવાસી છે.