જોશમાં હોશ ગુમાવ્યો કોહલીએ! ભારે ન પડી જાય કોન્સ્ટાસ સાથેની બબાલ, ICC કરી શકે છે કાર્યવાહી
Virat Kohli-Sam Konstas Confrontation: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યું હતું. સેમ કોન્સ્ટાસને મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી સાથે સેમ કોન્સ્ટાસનો ખભો અથડાતાં ચારેકોર આ ઘટનાની ચર્ચા થવા લાગી હતી. ઘટના બાદથી સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ ગઈ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કોહલી અને સેમ કોન્સ્ટાસના એકબીજા સાથે ખભા અથડાઈ રહ્યા છે.
શું ICC કાર્યવાહી કરી શકે છે?
અહેવાલો અનુસાર, હવે આ વર્તનને કારણે વિરાટ કોહલી અને કોન્સ્ટાસ સામે પણ કાર્યવાહી થઈ શકે છે કારણ કે તે ICCની આચાર સંહિતા વિરુદ્ધ હતું. જો કે, આ માટે મેદાન પર જેણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હોય તેમની સામે અમ્પાયરેએ રિપોર્ટ કરવાનો હોય છે. ત્યારબાદ અમ્પાયરના રિપોર્ટ બાદ મેચ રેફરી અંતિમ નિર્ણય લે છે. જો અમ્પાયર અને મેચ રેફરી એવા નિષ્કર્ષ પર આવે છે કે વિરાટ કોહલીએ જાણીજોઈને સેમ કોન્સ્ટાસના ખભા પર ટક્કર મારી છે તો તેને ICC તરફથી આકરી સજાનો સામનો કરવો પડી શકે છે. કોન્સ્ટાને પણ સજા થઈ શકે છે, જેમણે વિરાટને કેટલાક શબ્દો કહ્યા હતા.
મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના કાયદા 42.1 અનુસાર, અન્ય ખેલાડી સાથે અયોગ્ય અને ઇરાદાપૂર્વક શારીરિક સંપર્ક કરવો એ લેવલ 2નો ગુનો માનવામાં આવે છે.
સેમે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી હતી
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે સેમ કોન્સ્ટાસે ખૂબ જ ઝડપી રન બનાવ્યા હતા. ભારતના ઝડપી બોલરો માટે આ યુવા ખેલાડીને આઉટ કરવો ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. ખાસ કરીને જસપ્રીત બુમરાહ સામે તેણે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સેમે બુમરાહની એક જ ઓવરમાં 18 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ દાવમાં સેમ 65 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો.