વર્લ્ડકપ પહેલા 'વિરાટ' રેકોર્ડ... ટી20ના ઈતિહાસમાં આવો કમાલ કરનાર પ્રથમ ભારતીય બન્યો કોહલી
Image Source: Twitter
Virat Kohli Massive T20 Record: IPL 2024માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. કોહલીએ ફરી એક વખત ઓરેન્જ કેપ પર કબજો જમાવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની સિઝનની 52મી મેચમાં વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચમાં કોહલીએ ફાફ ડુપ્લેસિસ સાથે મળીને RCBની જીતનો પાયો નાખ્યો હતો. કોહલીએ આ મેચમાં 42 રન બનાવ્યા હતા જેમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ છે. આ રન સાથે કોહલી ટી20 ફોર્મેટમાં 12500 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
કોહલીએ કર્યો આ કમાલ
વિરાટે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે અને T20 ક્રિકેટમાં 12500 રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો છે. વિરાટ 6 રનથી પાછળ હતો જ્યારે તેણે રન ચેઝ કરતી વખતે ઈનિંગ્સના બીજા બોલ પર છગ્ગો ફટકારીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ટી20માં 12000 રન બનાવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન વિરાટના હવે 387 મેચોમાં 12500+ રન છે. ભારતના પૂર્વ કેપ્ટનની એવરેજ 41 થી વધુ છે અને તેણે 130 થી વધુની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. વિરાટના ખાતામાં 9 સદી અને 95 અડધી સદી પણ છે.
ભારત માટે સૌથી વધુ ટી20 રન
આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ પોતાના ટી20 કરિયરની શરૂઆત 2007માં દિલ્હી સાથે કરી હતી. તે IPL 2008 પહેલા પ્રી-ઓક્શન ડ્રાફ્ટમાં RCBમાં સામેલ થયો અને ત્યારથી તે ટીમની સાથે જ છે. ટી20માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હોવા ઉપરાંત વિરાટના નામે IPLમાં પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. RCBના પૂર્વ કેપ્ટન IPLના ઈતિહાસમાં ટી20 લીગમાં 7000થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી પણ છે.
સૌથી વધુ ટી20 રન બનાવનાર ખેલાડીઓ
સૌથી વધુ T20 રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ક્રિસ ગેલ ટોપ પર છે. યુનિવર્સ બોસે 463 મેચમાં 14562 રન બનાવ્યા છે. તે 2021 થી IPLનો હિસ્સો નથી અને હવે તે ટી20 લીગ પણ નથી રમી રહ્યો. ગેલ પછી બીજા નંબર પર શોએબ મલિક છે, જેમના નામે 542 મેચોમાં 13360 રન છે. પાકિસ્તાનનો આ પૂર્વ કેપ્ટન હજુ પણ ટી20 ક્રિકેટ રમે છે. કિરોન પોલાર્ડ 12900 રન સાથે ત્રીજા નંબરે છે. સ્ટાર ઓલરાઉન્ડર IPLમાંથી નિવૃત્ત થઈ ગયો છે પરંતુ અન્ય ટી20 લીગ રમે છે. વિરાટ કોહલી 12536 રન સાથે આ યાદીમાં ચોથા નંબર પર છે.
ભારતીયોમાં વિરાટ બાદ બીજા નંબર પર રોહિત શર્મા છે. ભારતીય કેપ્ટનના નામે 424 ટી20માં 11482 રન છે. ત્રીજા સ્થાન પર શિખર ધવન છે. ભારતના પૂર્વ સલામી બેટ્સમેનના નામે 334 ટી20માં 9797 રન છે. ધવન IPLમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે.
વિરાટ કોહલીએ આ મેચમાં ઋતુરાજ ગાયકવાડને પછાડીને ફરી એક વખત ઓરેન્જ કેપ પર કબજો કરી લીધો છે. ઋતુરાજ તાજેતરમાં જવિરાટથી આગળ નીકળી ગયો હતો. CSKના આ ઓપનિંગ બેટ્સમેનના નામે IPL 2024માં 509 રન છે. હવે વિરાટે ગુજરાત ટાઈટન્સ સામેની મેચ દરમિયાન ઋતુરાજને પાછળ છોડી દીધો છે. IPL 2024માં કોહલીએ અત્યાર સુધીમાં 542 રન બનાવ્યા છે.