ઓસ્ટ્રેલિયાના ઍરપૉર્ટ પર વિરાટ કોહલીનો ઝઘડો: મીડિયા પર ગુસ્સે ભરાયો, જાણો સમગ્ર મામલો
Virat Kohli : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે આગામી ચોથી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ મેલબોર્ન પહોંચી ગઈ છે. આ દરમિયાન મેલબોર્ન ઍરપૉર્ટ પર વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયન પત્રકાર સાથે ઝઘડો થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયાની આ હરકતથી કોહલી ગુસ્સે થઈ ગયો હતો. ત્યાર બાદ તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ઓસ્ટ્રેલિયન પત્રકાર સાથેનો વિવાદ કોહલીના પરિવાર સાથે જોડાયેલો છે. હકીકતમાં જ્યારે કોહલી મેલબોર્ન ઍરપૉર્ટથી બહાર આવી રહ્યો હતો ત્યારે ઓસ્ટ્રેલિયન મીડિયા કેમેરા સાથે કોહલી અને તેના પરિવાર સામે આવી ગયું હતું.
શું હતો સમગ્ર મામલો?
કોહલીએ સૌ પહેલાં મીડિયાને અપીલ કરી કે, તેઓ તેના પરિવારના ફોટા ન લે. આ અંગે તેણે મીડિયા સામે ઘણી અપીલ કરી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેની સાથે આ બાબતે દલીલ કરવાનું શરુ કરી દીધું હતું. જેને લઈને કોહલી તેનો પર ગુસ્સે થઈ ગયો હતો.
જ્યારે કોહલી પોતાના પરિવાર સાથે ઍરપૉર્ટથી બહાર નીકળી રહ્યો હતો. તે સમયે તેઓ ઓસ્ટ્રેલિયન મીડિયા ચેનલના એક પત્રકાર સાથે વાત કરી રહ્યો હતો. કોહલીને ઍરપૉર્ટથી બહાર નીકળતો જોઈને મીડિયાનું ધ્યાન કોહલી પર આવી ગયું હતું અને તેમણે કોહલીનો વીડિયો રેકોર્ડ કરવાનું શરુ કરી દીધું હતું. તે સમયે કોહલીની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા અને તેમના બે બાળકો વામિકા અને અકાય પણ હતા.
મીડિયાને કોહલીએ શું કહ્યું ?
કોહલીએ ઓસ્ટ્રેલિયન પત્રકાર સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'તેઓ માત્ર તેનો જ વીડિયો લે પરંતુ તેના પરિવારનો નહીં. બાળકો સાથે મારે થોડી પ્રાઇવસી જોઈએ છે. તમે મને પૂછ્યા વગર વીડિયો બનાવી શકતા નથી.'
આ મુદ્દે મીડિયા અને કોહલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ કોહલી ત્યાંથી ચાલ્યો ગયો હતો. મીડિયાના જણાવ્યા અનુસાર, દલીલ બાદ કોહલી ત્યાંથી ચાલ્યો ગયો હતો અને તેણે પાછા વળીને કંઈક કહ્યું હતું. કોહલીએ ઍરપૉર્ટ પર ઓસ્ટ્રેલિયન મીડિયાને કહ્યું - બાળકો સાથે, મારે થોડી પ્રાઇવસી જોઈએ છે. તમે મને પૂછ્યા વગર વીડિયો બનાવી શકતા નથી.
આ પણ વાંચો: 'અશ્વિન સમજી ગયો હતો કે ટીમમાં એના માટે...', દિગ્ગજ સ્પિનર ઓસ્ટ્રેલિયા જવા નહોતો માગતો
આગામી ચોથી ટેસ્ટ મેલબોર્નમાં યોજાશે
ભારતીય ટીમ આગામી ટેસ્ટ મેચ માટે ગુરુવારે સવારે મેલબોર્ન પહોંચી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી રમાશે. કોહલી આ સીરિઝમાં પોતાના પ્રદર્શનને લઈને ઘણો સંઘર્ષ કરી રહ્યો છે. જો કે તેણે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી, પરંતુ એડિલેડ અને ગાબા ટેસ્ટમાં તે ફ્લોપ રહ્યો હતો. તેણે ચાર ઇનિંગ્સમાં કુલ 26 રન બનાવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર છે. બંને વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રો રહી હતી.