વિરાટ કોહલીનો ધબડકો...દિલ્હી સામે રેલવે ટીમ હારી, શિવમ શર્માએ ઝડપી પાંચ વિકેટ
Ranji Trophy, Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફી રમવા મેદાનમાં ઉતર્યો હતો. કોહલી આ ટુર્નામેન્ટમાં દિલ્હી તરફથી રમી રહ્યો હતો. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે યોજયેલી મેચમાં દિલ્હીએ રેલ્વેની ટીમને એક ઇનિંગ અને 19 રનથી હરાવી દીધી હતી.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઊતરેલી રેલ્વેની ટીમે પહેલી ઇનિંગમાં 241 રન બનાવ્યા હતા. વિકેટકીપર અને બેટર ઉપેન્દ્ર યાદવે સૌથી વધુ 95 રન અને કર્ણ શર્માએ 50 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી નવદીપ સૈની અને સુમિત માથુરે ત્રણ-ત્રણ વિકેટો ઝડપી હતી. જયારે સિદ્ધાંત શર્માએ અને મની ગ્રેવાલે બે-બે વિકેટો લીધી હતી.
દિલ્હીએ 19 રનથી મેળવી શાનદાર જીત
ત્યારબાદ જવાબમાં દિલ્હીએ પહેલી ઇનિંગમાં 374 રનનો સ્કોર કર્યો હતો. કેપ્ટન આયુષ બદોનીએ સૌથી વધુ 99 રન બનાવ્યા હતા. જયારે સુમિત માથુરે 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રેલ્વે તરફથી હિમાશું સાંગવાને ચાર અને કૃણાલ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. પહેલી ઇનિંગની આધારે દિલ્હીને 133 રનની લીડ મળી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં રેલ્વેના બેટરોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. રેલ્વેની પૂરી ટીમ બીજી ઇનિંગમાં 114ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. અયાન ચૌધરી (30 રન) અને મોહમ્મદ સૈફ (31 રન) કરી શક્યા હતા. દિલ્હી તરફથી ડાબોડી સ્પીનર શિવમ શર્માએ પાંચ બેટરોને પવેલિયનભેગા કરી દીધા હતા. જ્યારે મની ગ્રેવાલ, નવદીપ સિંહ, સિદ્ધાંત શર્મા અને આયુષ બદોનીએ એક-એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘૂસ્યા ત્રણ ચાહકો, સ્ટેડિયમમાં અફરાતફરી: VIDEO
વિરાટ કોહલીનો અહિયાં પણ ધબડકો
દિલ્હીની ટીમની જીત થવાને કારણે વિરાટ કોહલીને બીજી વખત બેટિંગ કરવાની તક મળી ન હતી. અહીં તમને જણાવી દઈએ કે, કોહલી દિલ્હીની પહેલી ઇનિંગમાં 6 રન જ બનાવી શક્યો હતો. રેલ્વેના હિમાશું સાંગવાને તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. તેણે આ ઇનિંગમાં માત્ર એક ચોગ્ગો ફટકારયો હતો.