રોહિત જ નહીં વિરાટ કોહલી પણ રમશે રણજી ટ્રોફી, 13 વર્ષ બાદ વાપસીની તૈયારી
Virat Kohli in Ranji Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કોહલી ટૂંક સમયમાં રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી રમતો દેખાઇ શકે છે. મીડિયા અહેવાલ મુજબ, રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ 30 જાન્યુારીએ રેલવેની ટીમ સામે મેચ રમશે અને આ મેચમાં કોહલી દિલ્હી તરફથી રમી શકે છે.
13 વર્ષ બાદ રણજીમાં કરશે વાપસી
ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) એ કડક વલણ અપનાવતા ટીમ ઇન્ડિયાના સિનિયર ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. આ દરમિયાન જો વિરાટ કોહલી દિલ્હી તરફથી રેલવે સામેની મેચમાં રમશે તો રણજી ટ્રોફીમાં 13 વર્ષ પછી આ તેની પહેલી મેચ હશે. કોહલી ઉપરાંત રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐય્યર સહિત ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ પણ વિવિધ ટીમો તરફથી રણજી ટ્રોફીમાં રમશે.
છેલ્લી મેચ ઉત્તર પ્રદેશ સામે રમી હતી
કોહલીએ છેલ્લી વખત વર્ષ 2012માં દિલ્હી તરફથી ઉત્તર પ્રદેશ સામે રણજી મેચ રમી હતી. નોંધનીય છે કે, દિલ્હીની ટીમની આગામી મેચ 23થી 25 જાન્યુઆરી વચ્ચે સૌરાષ્ટ્રની સામે રાજકોટમાં રમાશે, પણ કોહલી આ મેચમાં ભાગ નહીં લઇ શકે, આ અંગે કોહલીએ ગરદનમાં દર્દ હોવાનું કારણ આપ્યું છે. જેથી હવે તે રેલવે સામેની મેચમાં રમી શકે છે.
ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે કોહલી
કોહલી રેડ બોલ ફોર્મેટમાં ખૂબ જ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ કારણસર તેને ઘણા સમયથી ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 માં તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ એક મેચ સિવાયની તમામ ઇનિંગમાં કોહલી ફ્લોપ સાબિત થયો હતો. કોહલીએ સમગ્ર સીરિઝમાં નવ ઇનિંગમાં 23.75ની એવરેજથી માત્ર 190 રન ફટકાર્યા હતા અને આઠ વખત એક જ રીતે આઉટ થયો હતો.