રોહિત શર્મા તો બેભાન થઈ જશે…: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ખેલાડીએ કેપ્ટનને ટોણો માર્યો

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
રોહિત શર્મા તો બેભાન થઈ જશે…: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ખેલાડીએ કેપ્ટનને ટોણો માર્યો 1 - image


Krishnamachari Srikkanth: ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે ચાર્જ સંભાળતાની સાથે લાંબુ વિઝન રજૂ કર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીથી લઈને 2027ના ODI વર્લ્ડકપ વિશે ગંભીએ અત્યારથી ભવિષ્યવાણી શરૂ કરી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના વર્લ્ડકપ રમવાના આશાવાદ સાથે ગંભીરે ક્રિકેટ ફેન્સને ખૂબ જ ખુશ કરી દીધા હતા. 

નવા કોચે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી વનડે ક્રિકેટ રમી શકે છે. જો તેઓ ફિટ રહેશે તો બંને ખેલાડીઓ ચોક્કસથી ODI વર્લ્ડ કપ 2027માં પણ રમતા જોવા મળશે. જોકે પૂર્વ ક્રિકેટર કૃષ્ણમચારી શ્રીકાંત ગૌતમ ગંભીરના આ નિવેદન સાથે બિલકુલ સહમત નથી જણાઈ રહ્યાં. શ્રીકાંતે યુટ્યુબ લાઈવમાં રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રોહિતે 2027નો વર્લ્ડ કપ ન રમવો જોઈએ.

શ્રીકાંતના પ્રહારો :

શ્રીકાંતે પોતાના પુત્ર અનિરુદ્ધ સાથે વાત કરતા એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્મા પર જોરદાર પ્રહારો કર્યા હતા. ‘વિરાટ કોહલી એક ચેમ્પિયન ખેલાડી છે. રોહિત શર્માએ 2027નો વર્લ્ડ કપ ન રમવો જોઈએ. તે દક્ષિણ આફ્રિકામાં બેભાન થઈ જશે.' શ્રીકાંતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને રોહિતના ચાહકો હવે 1983 વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને ટ્રોલ કરી રહ્યાં છે. 

Krishnamachari Srikkanth

મહત્વની વાત એ છે કે આ પ્રથમ વખત નથી કે શ્રીકાંતે રોહિત શર્માને ટાર્ગેટ કર્યો હોત. શ્રીકાંતે IPL 2024 દરમિયાન પણ કહ્યું હતું કે રોહિત શર્માએ પોતાનું નામ બદલીને No Hit Sharma રાખવું જોઈએ. આ સિઝનમાં રોહિત શર્માનું બેટ ન ચાલતા ચોતરફ તેની ટીકા થઈ રહી હતી તેથી જ શ્રીકાંતે પણ રોહિત પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કર્યા હતા. જોકે રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન સુકાની પદ સાથે ભારતનો ટોપ સ્કોર્ર રહીને તમામ ટીકાકારોના મોઢાં બંધ કરી દીધા હતા.

2011માં પણ રોહિત શ્રીકાંતના ટાર્ગેટ પર હતા ?

વધુ એક આંખે વળગે તેવી વાત એ છે કે 2011ના વર્લ્ડકપની ભારતીય ટીમમાં રોહિતને સ્થાન ન આપવા અંગે અનેક સવાલો ઉભા થયા હતા. વર્ષ 2011માં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે ટીમના ચીફ સિલેક્ટર કે. શ્રીકાંત હતા. શ્રીકાંતે એક મોટો ચોંકાવનારો નિર્ણય લેતા રોહિત શર્માને વર્લ્ડકપના સ્કવોડમાં સ્થાન નહોતું આપ્યું. રોહિતના સ્થાને યુસુફ પઠાણને તક મળી હતી. 

આમ શ્રીકાંત રોહિત શર્મા વિરુદ્ધ સતત નિવેદનો આપતા રહે છે અને સામે પક્ષે હિટમેન મોટાભાગે દરેક વખતે શબ્દો નહિ પરંતુ પોતાની બેટિંગ અને હવે કેપ્ટનશીપની આવડતથી આ સૌ ટીકાકારોને ખોટા સાબિત કરે છે. હવે રોહિતના ફેન્સ આશા રાખી રહ્યાં છે કે રો સુપરહિટ શર્મા ફરી લય પકડે અને પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી અને બાદમાં 2027ના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરે, રન ફટકારે અને ભારતને વધુ એક વર્લ્ડકપ જીતાડે.

આ પણ વાંચો:  રોહિત, બાબર જેવા ધૂરંધરોને પછાડી ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લિશ બેટરની લાંબી છલાંગ, નંબર-1 કોણ?


Google NewsGoogle News