રોહિત શર્માની સાથે વિરાટ કોહલી કરશે ઓપનિંગ! ટી20 વર્લ્ડ કપ પહેલા સૌરવ ગાંગુલીએ આપી સલાહ
Image: Facebook
T20 World Cup 2024: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યુ કે આગામી મહિને થનારા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીના ફોર્મને જોતા તેની પાસે ઓપનિંગ કરાવવું જોઈએ. વિરાટ કોહલી IPL 2024માં શાનદાર ફોર્મમાં છે અને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ચાલુ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના સલામી બેટ્સમેન વિરાટ કોહલીએ 12 મેચમાં 153.51 ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 70.44ની સરેરાશથી 634 રન બનાવ્યા છે અને આ સ્ટ્રાઈક રેટ તેના કરિયરના 134.31 ના સ્ટ્રાઈક રેટથી ઘણો વધુ છે. કોહલીની પાસે ઓરેન્જ કેપ પણ છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું, 'વિરાટ કોહલી ખૂબ જ શાનદાર રમી રહ્યો છે. છેલ્લી મેચમાં કોહલીએ જે ઈનિંગ રમી તેમાં તેણે ઝડપથી 90 રન બનાવી દીધા, તેને જોતા તમારે તેનો ટી20 વર્લ્ડ કપમાં સલામી બેટ્સમેન તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેની ગત અમુક IPL ઈનિંગ જોઈએ તો તે અદ્ભુત રહી છે તેથી તેણે ઈનિંગની શરૂઆત કરવી જોઈએ.'
ગાંગુલીએ કહ્યું, 'આ ખૂબ સારી ટીમ છે. મને લાગે છે કે તેણે સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે. બેટિંગમાં શ્રેષ્ઠતા સિવાય બોલિંગ પણ સારી દેખાય છે. 'બુમરાહ અત્યારે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર છે. આપણી પાસે કુલદીપ, અક્ષર અને સિરાજનો અનુભવ છે. આ વખતે ટીમ સંયોજન આદર્શ છે.'
ગાંગુલીએ કહ્યું, 'આગામી વર્ષોમાં પણ આ ચલણ ચાલુ રહેશે. ટી20 હવે શક્તિની રમત બની ગઈ છે અને આવું થવાનું જ હતું. હુ સંજૂ સેમસનની પ્રતિક્રિયા વાંચી રહ્યો હતો તેમાં તેણે કહ્યું કે આધુનિક ટી20માં આળસને કોઈ સ્થાન નથી. તમારે માત્ર હિટ કરવાનું હોય છે અને આ આવું જ રહેશે. હવે આપણે IPLમાં નિયમિતરીતે 240,250 રનનો સ્કોર જોઈ રહ્યાં છે. તેનું મુખ્ય કારણ બેટિંગ માટે સારી પિચ પણ છે અને ભારતમાં મેદાન પણ એટલા મોટા નથી. ગત મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સે મળીને 40 ઓવરની મેચમાં 26 સિક્સર મારી હતી.
ગાંગુલીએ કહ્યુ, ખેલાડી હવે ટી20ને આ રીતે રમી રહ્યા છે. ઈમ્પેક્ટ પ્લેયર નિયમે પણ તેમાં એક વધુ પાસુ જોડી દીધું છે જેમાં દરેક ટીમ એક બેટ્સમેનને સામેલ કરી શકે છે.