ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થશે આવું, બાંગ્લાદેશ સામેની મેચમાં અનેક કીર્તિમાન રચશે વિરાટ કોહલી
Virat Kohli Records: વિરાટ કોહલી હાલ દુનિયાના સૌથી દિગ્ગજ ક્રિકેટરોમાંથી એક છે. જ્યારે પણ કોહલી મેદાને ઉતરે છે, તો કોઈને કોઈ રેકોર્ડ તેના નિશાના પર હોય જ છે. બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટ મેચમાં ભલે વિરાટ કોહલીનો દેખાવ એટલો સારો ન રહ્યો, પરંતુ તેણે બંને ઇનિંગમાં કુલ 23 રન બનાવીને પણ ઈતિહાસ રચ્યો હતો. હકીકતમાં, બીજી ઇનિંગમાં કોહલીએ 17 રન બનાવ્યા, જેના કારણે તેણે ડોમેસ્ટિક મેદાન પર 12 હજાર રન પૂરા કર્યાં. સચિન તેંડુલકર પછી આ સ્થાન હાંસલ કરનાર વિરાટ ભારતમાંથી બીજો બેટર બની ચુક્યો છે. તેણે પોતાની 219 મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
કાનપુરમાં રચશે ઈતિહાસ?
પહેલી ટેસ્ટમાં કોહલી ભલે મોટી ઇનિંગ ન રમી શક્યો, પરંતુ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેની નજર ન ફક્ત મોટા સ્કોર પર પરંતુ, મોટા રેકોર્ડ પણ હશે. હકીકતમાં, વિરાટ કોહલીની પાસે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મોટી સફળતા હાંસલ કરવાની તક છે. જો તે બીજી ટેસ્ટમાં 129 રન બનાવવામાં સફળ થશે, તો ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરી દેશે. આવું કરનાર તે ચોથો ભારતીય ક્રિકેટર હશે. આ પહેલાં ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જ આ આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યાં છે.
આ પણ વાંચોઃ VIDEO: પાકિસ્તાનનો નવો 'રાવલપિંડી એક્સપ્રેસ'; રનઅપ, બોલિંગ એક્શન પણ શોએબ અખ્તર જેવી
સચિનનો રેકોર્ડ તોડશે કોહલી?
બીજી ટેસ્ટમાં વિરાટ કોહલીની નજર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિન તેંડુલરનો મોટો રેકોર્ડ તોડવા પર પણ હશે. આ રેકોર્ડથી વિરાટ ફક્ત 35 રન જ દૂર છે. જો તે આવું કરવામાં સફળ થાય છે તો તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 600 થી ઓછી ઇનિંગમાં 27 હજાર રન બનાવનાર દુનિયાનો પહેલો ક્રિકેટર બની જશે. ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર થશે જ્યારે કોઈ ક્રિકેટર 600 થી ઓછી ઇનિંગમાં 27 હજાર રનનો આંકડો પાર કરશે. હાલ, સૌથી ઝડપી 27 હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે, જેણે 623 ઇનિંગમાં જ આ સિદ્ધિ મેળવી હતી. કોહલીના નામે 593 ઇનિંગમાં 26,965 રન નોંધાયેલા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી દુનિયાભરના ફક્ત ત્રણ જ બેટર 27 હજાર રન બનાવી શક્યા છે. તેમાં સચિન તેંડુલકર, શ્રીલંકાનો કુમાર સંગકારા અને રિકી પોંટિંગ સામેલ છે.
આ પણ વાંચોઃ રેડી ટુ ફાઇટ! સ્ટાર ગુજરાતી ખેલાડી ટેસ્ટમાં વાપસી કરવા તૈયાર, ઇન્ટરનેટ પર VIDEO વાયરલ
ડૉન બ્રેડમેનના રેકોર્ડ પર જોખમ
કોહલીને કાનપુર ટેસ્ટમાં ડૉન બ્રેડમેનને પાછળ છોડવાની તક મળશે. કોહલી જો પહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારવામાં સફળ થાય છે તો તે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારવાના મામલે બ્રેડમેનને પાછળ છોડી દેશે. બ્રેડમેનના નામે ટેસ્ટમાં 29 સદી છે. એક સદી ફટકારતા જ કોહલી ટેસ્ટમાં 30 સદી નોંધાવશે. કોહલી બીજી ટેસ્ટમાં 3 કેચ કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી દેશે. સચિનના નામે ટેસ્ટમાં 115 કેચ નોંધાયેલા છે, જોકે વિરાટે 113 કેચ કર્યાં છે. આ સિવાય કોહલી 7 ચોકા મારતા જ તેના એક હજાર ચોકા પણ પૂરા કરી દેશે.