કોહલી, સિરાજ, શ્રેયસ અને સૂર્યા પહેરે છે હાથમાં ખાસ બૅન્ડ, ફીચર્સ છે જોરદાર
આ બેન્ડ અન્ય કોઈપણ સ્માર્ટ બૅન્ડ અથવા ઘડિયાળથી તદ્દન અલગ છે, રસપ્રદ વાત એ છે કે આ ખેલાડીઓ હૂપ નામના આ ફિટનેસ બૅન્ડને પ્રમોટ કરતા નથી
સ્વાભાવિક રીતે જોઈએ તો આ બૅન્ડ ખાસ હશે, તેથી જ આ ખેલાડીઓ જાહેરાત કર્યા વિના આ બૅન્ડ પહેરે છે. તો ચાલો જાણીએ આ બૅન્ડ વિશે
World Cup 2023: જ્યારે વિરાટ કોહલીએ વર્લ્ડ કપ સેમિફાઇનલ દરમિયાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો ત્યારે લોકોએ તેના કાંડા પર એક ખાસ બૅન્ડ જોયું. જો કે, વિરાટ કોહલી ICC વન-ડે વર્લ્ડ કપ 2023 દરમ્યાન સતત આ બૅન્ડ પહેરી રહ્યો છે. આ ફિટનેસ બૅન્ડ હૂપ નામના સ્ટાર્ટઅપનું છે જેમાં ChatGPT પણ સપોર્ટેડ છે અને તેનો માલિક વિલ અહેમદ છે. તાજેતરમાં હૂપ એ ChatGPT નિર્માતા ઓપન AI સાથે ભાગીદારી કરી છે, જે અંતર્ગત આ બૅન્ડમાં ChatGPT આધારિત સુવિધાઓ આપવામાં આવી છે. હૂપ કોચને કોઈપણ પ્રશ્ન પૂછી શકાય છે, પરંતુ તેનો જવાબ બૅન્ડ દ્વારા નહીં પરંતુ તેની એપ દ્વારા આપવામાં આવે છે. તે યુઝરના ફિટનેસ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપે છે.
આ કોઈ સામાન્ય બૅન્ડ નથી
વિલ અહેમદે ટ્વીટર પર કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓ તેમની કંપની હૂપના ફિટનેસ બૅન્ડ પહેરેલા જોવા મળે છે. એટલું જ નહીં, ઘણા ખેલાડીઓએ ઓલિમ્પિકમાં પણ હૂપ બૅન્ડ પહેર્યું છે. એ પણ રસપ્રદ છે કે વિરાટ કોહલી જેવા ખેલાડીઓ આ બૅન્ડ પહેરે છે પરંતુ તેનો પ્રચાર કરતા નથી. આ દર્શાવે છે કે આ બૅન્ડ સામાન્ય બેન્ડ નથી. તો જોઈએ કે એવું શું છે આ બૅન્ડમાં જે તેને સ્માર્ટવોચ કે અન્ય બૅન્ડ કરતા અલગ બનાવે છે.
ICC આ બૅન્ડ પહેરવાની મંજુરી શા માટે આપે છે?
ICCએ ગ્રાઉન્ડ પર મેચ દરમિયાન ખેલાડીઓને કોઈપણ કોમ્યુનિકેશન કરી શકાય તેવા ડિવાઈસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેથી, કોઈપણ ખેલાડી સ્માર્ટ વોચ પહેરીને મેચ રમી શકે નહીં. પરંતુ હૂપનો આ બેન્ડ મોબાઈલ સાથે સીધો કનેક્ટ કરતુ નથી. તે સ્માર્ટ વોચની જેમ કોઈ મેસેજ, કૉલ અથવા કોઈપણ પ્રકારની નોટિફિકેશન મેળવતું નથી. આ જ કારણ છે કે વર્લ્ડ કપમાં પણ ખેલાડીઓ મેચ દરમિયાન કોઈપણ પ્રતિબંધ વિના તેને પહેરે છે. આ સુવિધા પણ આ બેન્ડને ખાસ બનાવે છે.
આ બૅન્ડમાં કોઈ સ્ક્રીન નથી
હૂપ ફિટનેસ બૅન્ડમાં કોઈપણ પ્રકારની સ્ક્રીન નથી. તે ફોન સાથે કનેક્ટેડ રહે છે અને તમામ માહિતી ફોનની એપમાંથી જ મેળવી શકાય છે. સ્ક્રીન ન હોવાના કારણે, ખેલાડીઓને તેનાથી કોઈ વિક્ષેપનો સામનો કરવો પડતો નથી.
કાંડામાં ચાર્જ થઇ જાય છે
આ બૅન્ડ 24/7 પહેરી શકાય છે. કારણ કે તેને ચાર્જ કરવા માટે પણ તેને કાંડામાંથી કાઢવાની જરૂર નથી. તેને ચાર્જ કરવા માટે તેની સાથે બેટરી પેક આપવામાં આવે છે. હૂપ બૅન્ડ પહેરતી વખતે આ બેટરી પેકને બૅન્ડ સાથે જોડવાનું હોય છે. તમે તેને જોડતાની સાથે જ હૂપ બૅન્ડ આપોઆપ ચાર્જ થવાનું શરૂ કરે છે.
99% એકયુરેટ છે હેલ્થ ડેટા
હૂપ બૅન્ડને ઇન્ડસ્ટ્રીમાં સૌથી સચોટ ફિટનેસ બૅન્ડ ગણવામાં આવે છે અને એવો દાવો કરવામાં આવે છે કે તેનો હેલ્થ ડેટા 99% સચોટ છે. કારણ કે ડોકટરો સામાન્ય રીતે ફિટનેસ બૅન્ડ અને ઘડિયાળોના આરોગ્ય ડેટા પર વિશ્વાસ કરતા નથી. હૂપ બૅન્ડ ઝડપથી વ્યક્તિની ફિટનેસ અને સ્વાસ્થ્ય સંબંધિત ડેટા એકત્રિત કરે છે. હૃદયના ધબકારા, શરીરનું તાપમાન, બ્લડ ઓક્સિજન લેવલ અને સ્લીપ ટ્રેકિંગ સહિત ઘણા પ્રકારના ડેટા ભેગા કરે છે.
બોડી વર્કઆઉટ દરમ્યાન કેટલી રિકવર થઇ તેની પણ માહિતી આપે છે
હાર્ટ રેટ વેરિએબિલિટી (HRV), રેસ્ટિંગ હાર્ટ રેટ (RHR), સ્લીપ પર્ફોર્મન્સ અને શ્વસન દરના આધારે, આ બૅન્ડ તમને જણાવે છે કે ટ્રેનીંગ અને વર્કઆઉટ પછી તમારું શરીર કેટલું રિકવર થયું છે જેથી તમે પ્રદર્શન માટે 100% તૈયાર થઈ શકો. આનાથી ખેલાડીઓને ખ્યાલ આવે છે કે તેઓ કેટલા રિકવર થયા છે. આ ઉપરાંત આખા દિવસ દરમ્યાનની એકટીવીટી જોઇને શરીરને કેટલા કલાકની ઊંઘની જરૂર છે તેની પણ જાણ કરે છે.
પર્સનલ કોચનું પણ કામ કરે છે
આ બૅન્ડ તમારી જમવાની આદતો, નહાવાની પેટર્ન અને આલ્કોહોલનો ઉપયોગ સમજે છે અને તે મુજબ તમને રમતગમત માટે તમારા શરીરને કેવી રીતે તૈયાર કરવું તે સૂચવે છે. આ ઉપરાંત સ્ટ્રેસ મોનીટરીંગ પણ કરે છે. તે યુઝરને જણાવે છે કે તેઓને કેટલુ સ્ટ્રેસ છે અને સ્ટ્રેસ ઘટાડવા માટે શું કરી શકાય છે. શારીરિક, માનસિક ભાર, ઊંઘની ગુણવત્તા અને સામાન્ય સ્વાસ્થ્યના ડેટાનું વિશ્લેષણ કરીને, આ બૅન્ડ જણાવે છે કે શરીરની કામગીરી માટે તે કેટલી તૈયાર છે?
હૂપ બૅન્ડ હાલમાં ભારતમાં ઉપલબ્ધ નથી, કારણ કે કંપનીએ તેને અહીં લોન્ચ કર્યું નથી. તે જોવાનું રસપ્રદ રહ્યું કે ભારતીય ખેલાડીઓ આ બૅન્ડમાં આટલો રસ દાખવી રહ્યા છે તો શું વિલ અહેમદ તેને ભારતમાં લાવે છે કે નહીં.