સિડનીમાં કોહલીએ ખિસ્સાં બતાવી ઑસ્ટ્રેલિયન ભીડને આપ્યો જબરો જવાબ, વીડિયો વાઇરલ
Virat Kohli : ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન વિરાટ કોહલીએ 'સેન્ડપેપર સ્ટાઈલ'નો ઈશારો કરીને ઓસ્ટ્રેલિયન ચાહકોને બોલ ટેમ્પરિંગ કાંડની યાદ અપાવતા ચીડવવાનો પ્રયાસ કર્યો હતો. હકીકતમાં સિડની ટેસ્ટના ત્રીજા દિવસે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં વિરાટ કોહલી મેદાન પર ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
આ દરમિયાન વિરાટને જોઈને દર્શકોએ શોરબકોર શરૂ કરી દીધો હતો. આના જવાબમાં વિરાટ કોહલીએ દર્શકોને ઓસ્ટ્રેલિયાના વર્ષ 2018ના બોલ ટેમ્પરિંગ કાંડની યાદ અપાવતો ઈશારો કર્યો હતો. વિરાટ કોહલીએ પોતાનું ખિસ્સા બતાવીને બતાવવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે, હું બોલ સાથે ચેડા કરવા માટે પોતાના ખિસ્સામાં કંઈ નથી રાખતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન ભીડને કોહલીએ બોલ ટેમ્પરિંગ કાંડની યાદ અપાવી
કોહલીનો આ ઈશારો સ્ટીવ સ્મિથના આઉટ થયા બાદ આવ્યો હતો. હકીકતમાં વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટ દરમિયાન સ્ટીવ સ્મિથ બોલ સાથે છેડછાડ કરતો પકડાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે મેચ દરમિયાન બોલ સાથે ચેડા કરવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કર્યો હતો જેથી કરીને તેમને બોલને રિવર્સ સ્વિંગ કરવામાં મદદ મળી શકે. પરંતુ તેમની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના કારણે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બૅનક્રોફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વિરાટ સહિત 3 દિગ્ગજો આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમતા નહીં દેખાય! શું કરિયર ખતમ?
બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાનો કબજો
હાલની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચેય ટેસ્ટ મેચો ઘણી વિવાદોમાં રહી હતી. અહીં તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ પાંચમી ટેસ્ટ મેચમાં ભારતને હરાવીને ટ્રોફી કબજે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ 5 મેચની સીરિઝ 1-3થી જીતી હતી. જ્યારે સીરિઝની એક મેચ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાને વર્ષ 2014-15 બાદ ઘરઆંગણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કયારેય જીતી મળી ન હતી.