વિરાટ કોહલીને પાકિસ્તાનની ભાવુક અપીલ, પ્લીઝ અમારા આ ક્રિકેટરનું થોડું તો સમર્થન કરો...
Pakistani Fans Appeal To Virat Kohli: પાકિસ્તાનની ટીમને બાંગ્લાદેશ સામે 2 મેચોની ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. આ હારનું ઠીકરું અનુભવી બેટ્સમેન બાબર આઝામના માથા પર ફોડવામાં આવ્યું છે. કારણ કે તે ચાર ઈનિંગ્સમાં કુલ 70 રન પણ નહોતો બનાવી શક્યો. બાબર આઝમ લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ટીમ અને બાબર આઝમના ચાહકોએ વિરાટ કોહલીને બાબર આઝમને સપોર્ટ કરવા માટે ભાવુક અપીલ કરી છે. ચાહકો ઈચ્છે છે કે, કોહલી એવી જ રીતે બાબર આઝમનો સપોર્ટ કરે જેવી રીતે બાબર આઝમે 2022માં તેનો સપોર્ટ કર્યો હતો.
વિરાટ કોહલીને પાકિસ્તાનની ભાવુક અપીલ
બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં ઝીરો રન પર આઉટ થયા બાદ બાબર આઝમે બીજી ઈનિંગમાં 22 રન બનાવ્યા અને બીજી મેચની પ્રથમ ઈનિંગમાં 31 રન બનાવ્યા તો બધાએ વિચાર્યું કે કદાચ બાબર આઝમ બીજી ઈનિંગમાં મોટો સ્કોર બનાવશે પરંતુ તે માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ રીતે તે 4 ઈનિંગ્સમાં માત્ર 64 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ બાબર આઝમના ફોર્મની ટીકા કરી હતી, પરંતુ ચાહકોએ વિરાટ કોહલીને અપીલ કરી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના જુનિયર ખેલાડીનું સમર્થન કરે.
બાબર આઝમે વિરાટ કોહલીને કર્યો હતો સપોર્ટ
તમને જણાવી દઈએ કે 2022માં વિરાટ કોહલી પણ આઉટ ઓફ ફોર્મ હતો અને તે દરમિયાન બાબર આઝમે કોહલીને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવાની કામના કરી હતી અને તેણે X પર લખ્યું હતું કે, આ સમય પણ પસાર થઈ જશે. મજબૂત રહો વિરાટ કોહલી. આના પર વિરાટ કોહલીએ પ્રતિક્રિયા પણ આપી હતી અને તેણે વિરાટ કોહલીને થેન્ક્યુ લખ્યું હતું. આ પહેલા વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર બે બે ODI મેચમાં 16 અને 17 રન બનાવી શક્યો હતો અને બે T20 મેચમાં 1 અને 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે સમયે વિરાટ કોહલીનું ફોર્મ ઘણું બગડી ગયું હતું. જો કે, વિરાટ તેમાંથી બહાર નીકળી ગયો હતો અને હવે પાકિસ્તાની ચાહકો ઈચ્છે છે કે વિરાટ પણ બાબર આઝમનું સમર્થન કરે.
બાબર આઝમના ટ્વીટ બાદ વિરાટ કોહલીએ લગભગ એક મહિનાનો બ્રેક લીધો હતો અને બેટને હાથ પણ નહોતો લગાવ્યો. તેણે એશિયા કપ 2022માં સીધી વાપસી કરી અને આ ટુર્નામેન્ટમાં રન બનાવવાની સાથે-સાથે સદી પણ ફટકારી, જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ્રથમ સદી હતી. તે જ વર્ષે વિરાટે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 82 રનની અણનમ અને ઐતિહાસિક ઈનિંગ રમી હતી. હાલમાં બાબર આઝમની પણ આવી જ સ્થિતિ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 616 દિવસથી અડધી સદી પણ નથી ફટકારી. બાબરે તેની કેપ્ટનશિપ પણ ગુમાવી દીધી છે.
તમે જોઈ શકો છો કે, પાકિસ્તાની ચાહકો કેવી રીતે વિરાટ કોહલીને અપીલ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે, જ્યારે મહાન વિરાટ કોહલી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો ત્યારે બાબર આઝમે તેના માટે ટ્વીટ કર્યું હતું કે, આ સમય પણ પસાર થઈ જશે. અને વિરાટ કોહલી સ્વીકાર કરે છે કે, બાબર આઝામ પણ મહાન ખેલાડીઓમાંથી એક છે. તેથી શું તે બાબર આઝમ માટે ટ્વીટ કરશે અને તેનું સમર્થન કરશે? કારણ કે, બાબર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
બાબર અને પાકિસ્તાન ટીમના વધુ એક ચાહકે લખ્યું કે, વિરાટ કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બાબર આઝમથી સીનિયર છે. વિરાટની સામાજિક જવાબદારી છે કે, તે પોતાના જુનિયર ખેલાડીને તેના કરિયરના ખરાબ સમયમાં આગળ આવીને પ્રોત્સાહિત કરે. અમે આશા રાખીએ છીએ કે, વિરાટ કોહલી બાબર આઝમનું એવી જ રીતે સમર્થન કરશે જેવી રીતે બાબરે વિરાટનું કર્યું હતું.
બાબર આઝમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં રમશે, જ્યારે વિરાટ કોહલી આ જ બાંગ્લાદેશ ટીમ સામે બે મેચોની ટેસ્ટ સીરીઝ 19 સપ્ટેમ્બરથી રમતો નજર આવશે.