એ તો ખજાનો છે! કહેતા હોવ તો અત્યારે સહી કરી આપું, કોહલીએ ટીમના આ ખેલાડીને ખૂબ વખાણ્યો
વિરાટ કોહલીએ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડકપ વિજયની ઉજવણી બાદ બુમરાહના ભરપેટ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, 'લોકોએ એ વ્યક્તિ માટે ખાસ તાળીઓ પાડવી જોઈએ જેણે ભારતને આ ટુર્નામેન્ટમાં વારંવાર વાપસી કરાવીને જીત અપાવી. બુમરાહ જેવો બોલર પેઢીઓમાં એક વખત મળે છે. એ દેશ માટે ખજાના સમાન છે.'
વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના સાથી બોલર જસપ્રિત બુમરાહને ખજાના સમાન ગણાવ્યો હતો. ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતવામાં મદદ કરવામાં બુમરાહનું મહત્વનું યોગદાન રહ્યું હતું. બુમરાહે ટૂર્નામેન્ટમાં પોતાની ચુસ્ત બોલિંગથી વિરોધી ટીમ પર ધાક બેસાડી હતી. જ્યારે ટીમને જરૂર હોય ત્યારે તે હંમેશા વિકેટો લે છે.
જ્યારે પ્રેઝન્ટરે પૂછ્યું કે જો બુમરાહને 'દેશના ખજાના' તરીકે જાહેર કરવામાં આવે તો તમે એ અરજીમાં સહી કશો? તો વિરાટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું હતું કે, 'હું તો અત્યારે જ કરી દઉં. વિરાટે કહ્યું કે આવો બોલર પેઢીઓમાં એકવાર મળે છે.'
પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ
એક તરફ ફાઇનલ મેચમાં વિરાટ કોહલીને જ્યાં પ્લેયર ઑફ ધ મેચનો ઍવોર્ડ મળ્યો હતો ત્યાં બીજી તરફ જસપ્રિત બુમરાહને આખી ટુર્નામેન્ટમાં 4 આસપાસની ઇકોનોમીથી 14 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઑફ ધ સિઝનનો ઍવોર્ડ મળ્યો હતો.
T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનું સ્વાગત કરવા માટેની વિજય પરેડમાં ગુરુવારે મુંબઈમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. હજારો ક્રિકેટ ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સની એક ઝલક જોવા માટે ઉત્સુક હતા. આખરે ઉત્સાહ અને ઉર્જાના પર્યાય સમાન આ કાર્યક્રમમાં ક્રિકેટ પ્રેમીઓએ ખૂબ ઉજવણી કરી હતી.