ગાબામાં ત્રણ જ રનમાં પવેલિયન ભેગો થયો કોહલી, ગાવસ્કરે કહ્યું- તેંડુલકરથી કંઈક શીખો
IND vs AUS : બ્રિસ્બેનના ગાબા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી સામે ઑફ સ્ટમ્પની બહાર બોલ નાખીને ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડએ તેની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. હવે ચાહકોએ વિરાટ કોહલીને ઑફ-સ્ટમ્પની બહાર જતાં બોલ પર આઉટ થવાની વર્ષોની નબળાઈને કારણે નિવૃત્તિ લેવાની સલાહ આપી દીધી છે. જેના પર ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કોહલીને મોટી સલાહ આપી અને સચિન તેંડુલકરે રમેલી સિડની ઇનિંગમાંથી શીખવા કહ્યું હતું.
આ ભૂલને કારણે સતત આઉટ થઈ રહ્યો છે કોહલી
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની શરુઆત સારી રહી ન હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 4 રન અને શુભમન ગીલ 1 રન કરીને પવેલિયન પરત ફર્યા હતા. ત્યાર બાદ ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ વિરાટ કોહલી પણ સંકટ સમયે ભારતીય ટીમને છોડીને જતો રહ્યો હતો. ભારતીય ઇનિંગની 8મી ઓવરમાં જોશ હેજલવુડે ઓવરના બીજા બોલ પર કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. કોહલી આઉટ સાઇડ સ્ટમ્પની બહાર જતાં બોલને રમવા જતાં ફરી આઉટ થયો હતો. આ રીતે ઘણાં વર્ષોથી ટેસ્ટ ક્રિકેટમાં બહાર જતી બોલ પર આઉટ થઇ રહેલા વિરાટ કોહલીને હવે સુનીલ ગાવસ્કરે મોટી સલાહ આપી છે.'
શું કહ્યું સુનીલ ગાવસ્કરે?
વિરાટ કોહલીને લઈને સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, 'તેણે પોતાના હીરો સચિન તેંડુલકર પાસેથી જ શીખવું જોઈએ. જે રીતે સચિન તેંડુલકરે પોતાની ઓફ સાઇડની રમત પર નિયંત્રણ રાખ્યું હતું. જ્યારે તેણે સિડનીમાં 241 રન બનાવ્યા ત્યારે તે ઇનિંગ દરમિયાન તેણે કવર તરફ કોઈ શોટ રમ્યો ન હતો. કારણ કે પહેલા તે કવર શોટ તરફ રમીને આઉટ થઈ રહ્યો હતો. તે ઇનિંગ દરમિયાન સચિને બધા જ શોટ સીધા અને ઓન સાઈડની દિશામાં રમ્યા હતા. એ જ રીતે કોહલીએ પણ પોતાના મન પર નિયંત્રણ રાખવું પડશે. તે ઓફ સ્ટમ્પ પર માત્ર ડીફેન્ડ કરવા જ રમે અને તેને સ્કોરિંગ વિશે વિચારવું જોઈએ નહીં. કોહલીએ સ્ટ્રેટ કે મિડ વિકેટ તરફ રમવું જોઈએ.'
આ પણ વાંચો : IND vs AUS 3rd Test Day LIVE: ગાબામાં વરસાદ વિલન, ટીમ ઈન્ડિયાની 48 રનમાં 4 વિકેટો પડી
કોહલીનું સતત નિરાશાજનક પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા પણ વિરાટ કોહલી ભારતમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. જ્યારે પર્થ ટેસ્ટ મેચમાં તેણે ચોક્કસપણે સદી ફટકારી હતી. પરંતુ સદી સિવાય બાકીની ત્રણ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા સામે તેનો મહત્તમ સ્કોર માત્ર 11 રન જ રહ્યો હતો. તેથી જો કોહલી ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં પ્રભુત્વ મેળવવા માંગે છે, તો તેણે બહાર જતાં બોલ પર કાબુ મેળવવો પડશે.