મારા અહંકારે મારો ખેલ બગાડ્યો હતો..', વર્લ્ડકપમાં ખરાબ ફોર્મ વિશે વિરાટની PM મોદી સામે કબૂલાત
Image: IANS |
T20 World Cup Virat Kohli: T20 વર્લ્ડ કપમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનો ફોર્મ ચિંતાનો વિષય બન્યો હતો. ફાઈનલની પહેલાં આ સ્ટાર ક્રિકેટરે માત્ર 75 રન ફટકાર્યા હતા. જો કે, ફાઈનલમાં વિરાટ કોહલીએ મેચ જીતવામાં મદદ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત દરમિયાન કોહલીએ જણાવ્યું હતું કે, ફાઈનલમાં પહોંચતાં પહેલાં તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો હતો. તેણે કેવી રીતે ઐતિહાસિક મેચ રમવા માટે રોહિત અને કોચ રાહુલ દ્રવિડને પ્રેરિત કર્યા હતા.
વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત પરત ફરેલી ટીમે વડાપ્રધાન મોદી સાથે વિશેષ મુલાકાત લીધી હતી. તે દરમિયાન વડાપ્રધાને ખેલાડીઓ પાસેથી તેમના ટી20 વર્લ્ડ કપના અનુભવો વિશે જાણકારી મેળવી હતી. આ દરમિયાન કોહલીએ વડાપ્રધાનને જણાવ્યું હતું કે, તેણે દ્રવિડને કહ્યું કે, તે ટૂર્નામેન્ટમાં ટીમ માટે સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. તો દ્વવિડે જવાબ આપ્યો હતો કે, અહંકાર તમારી રમતને બરબાદ કરી દે છે. હું જે પણ પ્રયાસો કરી રહ્યું હતો, તે સફળ રહ્યા ન હતા. જ્યારે પણ તમને લાગે કે, તમે આ કરી શકો છો, તો તે તમારો અહંકાર બોલી રહ્યો છે. તમે અહંકારમાં રમતથી દૂર થઈ જાવ છો. ક્યારેક ક્યારેક અહંકાર છોડવો મહત્ત્વપૂર્ણ હોય છે. ફાઈનલમાં અહંકારનું કોઈ સ્થાન નથી. જેમ જ મેં રમતને સન્માન આપવાનું શરૂ કર્યું, ત્યારે તેનો લાભ ટીમને થયો છે. તે મારા માટે મોટી શીખ છે.
રોહિત અને દ્રવિડે કર્યો હતો બચાવ
વિરાટ કોહલી આઈપીએલ 2024માં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર રહ્યો હતો. જો કે, ટી20 વર્લ્ડ કપ 2024માં તેનુ પ્રદર્શન જળવાયુ ન હતું. પહેલાં સાત મેચમાં તેણે માત્ર 75 રન જ બનાવ્યા હતા. ત્યારે કોચ રાહુલ દ્રવિડ અને રોહિતે તેના પર વિશ્વાસ રાખ્યો હતો. અને તેનો બચાવ કરતાં રોહિતે અનેક વખત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તે મોટી મેચનો પ્લેયર છે, તે ફાઈનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. અને તેમ જ બન્યું. કોહલીએ ફાઈનલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું.