વિરાટ કોહલી BCCIના આ નિયમથી બિલકુલ ખુશ નથી, કહ્યું- નથી ઈચ્છતો કે ઉદાસ થઈને એકલો બેસી રહું
Virat Kohli On BCCI Rules: ભારતીય દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ BCCIના નવા નિયમ ક્રિકેટ ટૂર પર ખેલાડીઓ સાથે પરિવારના જવા પર પ્રતિબંધની ટીકા કરી છે. 36 વર્ષીય ધુરંધર ખેલાડી કોહલીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓના પર્ફોર્મન્સમાં તેમનો પરિવાર મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ ટૂર પર પ્રવાસ દરમિયાન તેઓ મુશ્કેલીઓ અનુભવે છે.
હાલમાં જ રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની જીતમાં ફાળો આપનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી પણ સામેલ છે. તેણે ધુઆંધાર બેટિંગથી ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં ફાળો આપ્યો છે.
BCCIએ પ્રતિબંધ લાદ્યો
આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 1-3થી ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ બીસીસીઆઈએ નવી પોલિસી ઘડી હતી. જેમાં ખેલાડીઓના જીવનસાથી અને બાળકો સાથે ટૂર કરવા પર અમુક પ્રતિબંધો લાદ્યા હતા. જો ટૂર 45 દિવસથી વધુ સમય માટે હોય તો જ ખેલાડીના જીવનસાથી અને બાળકો ટૂરના પ્રથમ બે સપ્તાહ બાદ તેમની પાસે જઈ શકશે. તેમાં પણ તેમની સાથે રહેવાની મર્યાદા 14 દિવસ નિર્ધારિત કરવામાં આવી છે.
કોહલીએ શું કહ્યું
આઈપીએલ 2025 પહેલાં આરસીબી ઈનોવેશન લેબ ઈન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં કોહલીએ જણાવ્યું હતું કે, ‘લોકોને એ સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે કે જ્યારે પણ આપણી સાથે કોઈ ઘટના બને તો તે સમયે પરિવારની હાજરી કેટલી મહત્ત્વની છે. મને નથી લાગતું કે લોકોને તેના વિશે સમજ છે કે પરિવાર એક વ્યક્તિ માટે કેટલો મૂલ્યવાન હોય છે. અને હું બીસીસીઆઈના આ નિર્ણયથી ખૂબ નિરાશ છું કારણ કે એવું લાગે છે કે, જાણો લોકોનો ચાલી રહેલી ઘટનાઓ પર કંટ્રોલ જ નથી. આ મામલે વાતચીત કરવાની જરૂર છે.'
દરેક ખેલાડી પરિવારને સાથે જ ઈચ્છે છે
વધુમાં કોહલીએ જણાવ્યું કે, જો તમે કોઈ પણ ખેલાડીને પૂછશો કે, તમે આખો દિવસ તમારા પરિવાર સાથે રહેવા માગો છો? તો તે હા પાડશે. (પરિવાર વિના) રૂમમાં જવુ ગમતુ નથી. મારે એકલા બેસી રહેવુ પડે છે. હું સતત (તેમના વિના) નોર્મલ રહેવાનો પ્રયાસ કરુ છું. તમે ખરેખર કોઈ રમતની જવાબદારી કોઈના પર થોભી શકો છો? તમારે તમારી જવાબદારી નિભાવીને ફરી પાછું સંસારમાં ફરવાનું છે.