કોહલી રન માટે ભૂખ્યો હશે...: ટેસ્ટ સીરિઝ પહેલા ગાવસ્કરની ઑસ્ટ્રેલિયાને ચેતવણી
India vs Australia Virat Kohli: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝ 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. પ્રથમ મુકાબલો પર્થમાં યોજાશે. હવે સીરિઝ પહેલા બંને દેશો વચ્ચે વાક યુદ્ધ ચાલુ છે. રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર, બ્રેટ લી અને મિશેલ જોન્સન જેવા દિગ્ગજોએ ટીમ ઈન્ડિયા પર સતત પ્રહાર કરી રહ્યા છે. હવે ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કાઉન્ટ એકેટ કર્યો છે. તેમણે ઑસ્ટ્રેલિયાની ટીમને ટેસ્ટ સીરિઝ પહેલા ચેતવણી આપી છે.
ગાવસ્કરે એડિલેડ અને પર્થના ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીના અગાઉના સતત પ્રદર્શન અંગે વાત કરી છે. તેણે કહ્યું કે, આ સ્થળો પર ઑસ્ટ્રેલિયા સામેની તેની અગાઉની સફળતા તેને આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સીરિઝ દરમિયાન વધારાનો આત્મવિશ્વાસ આપશે. ગાવસ્કરનું માનવું છે કે, જો કોહલી સીર્ઝની પ્રથમ બે ટેસ્ટમાં રન બનાવી લેશે તો તે આગળની મેચોમાં ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે.
કોહલી રન માટે ભૂખ્યો હશે...
ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે, 'વિરાટ ન્યુઝીલેન્ડ સામે રન નહોતો બનાવી શક્યો, તેથી તે રન માટે ભૂખ્યો હશે.' એડિલેડ ટેસ્ટ મેચમાં પણ જ્યાં આપણે બીજી ઈનિંગમાં 36 રનમાં ઓલઆઉટ થયા થઈ ગયા હતા, ત્યાં પ્રથમ ઈનિંગમાં કોહલીએ રનઆઉટ થતાં પહેલા 70થી વધુ રન બનાવ્યા હતા. તેણે એડિલેડમાં સતત સારું પ્રદર્શન કર્યું છે, તેથી આ તેના માટે જાણીતું મેદાન છે.
તે મોટો સ્કોર બનાવશે
ગાવસ્કરે આગળ કહ્યું કે, એડીલેડ પહેલા પર્થ છે. જ્યાં તેણે 2018-19માં શાનદાર ટેસ્ટ સદી ફટકારી હતી. આ મેદાન પર પ્રદર્શન કર્યા બાદ તે વધુ આત્મવિશ્વાસ અનુભવશે. તેને શરૂઆતમાં થોડા નસીબની જરૂર છે, પરંતુ જો તેને સારી શરૂઆત મળશે તો તેઓ મોટો સ્કોર બનાવશે.
ઓપ્ટસ સ્ટેડિયમમાં સદી ફટકારી ચૂક્યો છે કોહલી
આ વર્ષે છ ટેસ્ટ મેચોમાં કોહલીની એવરેજ માત્ર 22.72 રહી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં તેની 54.08ની સરેરાશ અને તેની કુલ કારકિર્દીની સરેરાશ 47.83 કરતાં આ ઘણી ઓછી છે. કોહલીએ જાન્યુઆરી 2012માં એડિલેડમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી (116) ફટકારી હતી. ત્યારબાદ 2014માં તેણે આ જ મેદાન પર 115 અને 141 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે પ્રથમ વખત ટેસ્ટમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી. પૂર્વ કેપ્ટને 2018માં પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં 123 રન પણ બનાવ્યા હતા. નવા પર્થ સ્ટેડિયમમાં ભારતીય બેટ્સમેનની આ પ્રથમ સદી હતી. તેણે ભારતને ટેસ્ટ સીરિઝમાં 2-1થી જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયા ત્યાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતવામાં સફળ રહી હતી.