એમની પાસે એકમાત્ર વિકલ્પ...', RCBના કેપ્ટન અંગે 'મિસ્ટર 360'ની ભવિષ્યવાણી ચર્ચામાં
AB de Villiers on Virat Kohli : આગામી IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નો કેપ્ટન કોણ હશે તે હજુ પણ એક મોટો સવાલ છે? મોટાભાગની ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. જો કે અમુક ટીમોએ કેપ્ટનના નામની જાહેરાત કરવાની બાકી છે. જેમાં એક ટીમ RCB પણ છે. ટીમના પૂર્વ ખેલાડી એબી ડી વિલીયર્સના કહ્યા અનુસાર, RCB પાસે વિરાટ કોહલીને કેપ્ટન બનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે, ટીમમાં કોઈ પણ લીડર હાલમાં દેખાઈ રહ્યો નથી. ગત સિઝનમાં ટીમની કેપ્ટનશીપ ફાક ડુપ્લેસીએ કરી હતી. પરંતુ આ વખતે તેને રિલીઝ કરવામાં આવ્યો છે અને દેલ્હી કેપિટલ્સે તેને 2 કરોડમાં ટીમમાં સામેલ કરી લીધો છે.
શું કહ્યું એબી ડી વિલિયર્સે?
એબી ડી વિલિયર્સે કહ્યું હતું કે, 'મિત્રો, મને લાગે છે કે વિરાટ કોહલી (RCBની કેપ્ટનશીપ માટે) એકમાત્ર વિકલ્પ છે. તે પોતાની કારકિર્દીના અંતની નજીક છે. તે હાલમાં ફોર્મમાં નથી અને રન પણ નથી બનાવી રહ્યો. આપણે તેને મેચ જીતાડનારી ઇનિંગ્સમાં રમતા જોયો છે. તે હવે પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે.'
કેપ્ટન તરીકે કોહલીનો રેકોર્ડ
કોહલી વર્ષ 2013થી 2021 સુધી RCBનો કેપ્ટન રહી ચૂક્યો છે. તેની કેપ્ટનશીપ દરમિયાન ટીમ IPL 2016ની ફાઈનલમાં પહોંચી હતી. તે સિઝનમાં તેણે સૌથી વધુ રન બનાવીને ચાર સદી ફટકારી હતી. જો કે, તેણે વર્ષ 2021માં કેપ્ટનશીપ છોડી દીધી હતી. પરંતુ આ સિઝનમાં તે કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. હવે એબી ડી વિલિયર્સનું માનવું છે કે, વિરાટ કોહલી ફરી એકવાર RCBની કેપ્ટનશીપ સાંભળીને પોતાની કારકિર્દીનો શાનદાર અંત લાવશે. કોહલીએ 143 મેચોમાં RCBની કેપ્ટનશીપ કરી છે. જેમાં ટીમે 66 મેચોમાં જીત મેળવી હતી અને 70 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીની કેપ્ટનશીપમાં RCBના જીતની ટકાવારી 46.15 રહી હતી.