વિરાટ કોહલી લઈ શકે આ મોટો નિર્ણય, BGT સીરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ વધી ગયુ હતું દબાણ
Virat Kohli Will Play County Cricket Ahead of IND vs ENG: ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ રહ્યા બાદ વિરાટ કોહલીને સતત એ વાતનો સામનો કરવો પડી રહ્યો હતો કે, વિરાટ પોતાના ફોર્મને લઈને આગળ શું પગલું ભરશે? આ વચ્ચે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં હાર બાદ એ પણ વાત ઉઠી હતી કે, જો કોઈ ખેલાડી ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે, તો તેણે ઘરેલુ ક્રિકેટ ચોક્કસપણે રમવું પડશે, તો જ તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. આ વચ્ચે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે 2025માં રમાનારી ટેસ્ટ સીરિઝની તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આગામી ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમવાની યોજના બનાવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોહલી ઈંગ્લિશ પરિસ્થિતિઓમાં પોતાને વધુ સારી રીતે ઢાળવા માટે અને પોતાની ટેકનિકને મજબૂત બનાવવા માટે આ પગલું ઉઠાવી શકે છે.
ઈંગ્લેન્ડ સામે મોટી સીરિઝની તૈયારી
ભારત 2025માં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ મહત્વપૂર્ણ સીરિઝ પહેલા વિરાટ કાઉન્ટી ક્રિકેટ રમીને પોતાના ફોર્મ અને ટેકનિકને વધુ શ્રેષ્ઠ બનાવવા માગે છે. એવું માનવામાં આવે છે કે તે સરે અથવા યોર્કશાયર જેવી મોટી કાઉન્ટી ટીમોમાંથી કોઈ એક સાથે જોડાઈ શકે છે.
વિરાટ કોહલીએ અગાઉ કાઉન્ટી ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ અને ઈજાઓને કારણે આ ન થઈ શક્યું. આ વખતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને કોચિંગ સ્ટાફે પણ કોહલીના નિર્ણયનું સમર્થન કર્યું છે.
ઈંગ્લેન્ડમાં કોહલીનું પ્રદર્શન
ટેસ્ટ મેચોમાં રનની વાત કરીએ તો 16 ટેસ્ટમાં 1,315 રન.
એવરેજ- 47.32
સર્વશ્રેષ્ઠ સ્કોર- 149 રન
2018ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં વિરાટે 593 રન બનાવ્યા, જે તેનું શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન હતું. જોકે, 2021માં તેનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ નહોતું.
કાઉન્ટી ક્રિકેટના ફાયદા
કાઉન્ટી ક્રિકેટ રમવાથી કોહલીને ઈંગ્લેન્ડની મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમવાની અને સ્વિંગ બોલિંગનો સામનો કરવાની તક મળશે અને જો વિરાટ આ નિર્ણય સાથે આગળ વધે તો આ પગલાથી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમને પણ ફાયદો થશે.