ક્રિકેટ જગતના ફેબ-4ની રેસમાં કોહલી રહી ગયો પાછળ, ઇંગ્લિશ ક્રિકેટર તો ક્યાંય આગળ નીકળ્યો
Fab Four of Cricket: વિરાટ કોહલી સહિત વર્તમાન ક્રિકેટ જગતના 4 ખેલાડીઓને 'ફેબ ફોર' ના નામે ઓળખવામાં આવે છે. આ ચાર દેશના 4 ખેલાડીઓએ અવારનવાર પોતાના દેશની ટીમ માટે અનેક મેચો જીતી છે અને સતત સારું પ્રદર્શન કર્યું છે. કોહલી છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્ટ ક્રિકેટ ઓછું રમ્યો છે અને કોવિડ પહેલા જેવો દેખાવ કરી શક્યો નથી જેના કારણે તે હવે ફેબ 4ના ખેલાડીથી પાછળ રહી ગયો છે.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન સામે મોટી સરસાઈ મેળવી લીધી છે. આ ચારેય ક્રિકેટરો મોર્ડન ફેબ ફોરમાં સામેલ છે.
33 વર્ષીય જો રૂટે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં 120 રન બનાવ્યા હતા. જૉ રૂટે તેની આ ઇનિંગ બાદ સૌથી વધુ ટેસ્ટ રનના મામલે શિવનારાયણ ચંદ્રપોલને પાછળ છોડી દીધા. હવે તેનો નેક્સ્ટ ટાર્ગેટ બ્રાયન લારા છે. દિગ્ગજ કેરેબિયન ક્રિકેટર લારાને પાછળ છોડવા માટે માત્ર 14 રનની જરૂર છે. જો રૂટના નામે 142 ટેસ્ટ મેચોમાં 11940 રન છે. લારાના નામે 131 ટેસ્ટમાં 11953 રન છે. કદાચ વેસ્ટ ઈન્ડિઝ સામેની આ શ્રેણીમાં જ રુટ લારાને પાછળ છોડી દેશે.
ઓવરઓલ રેકોર્ડ સિવાય જો આધુનિક ફેબ ફોરની વાત કરીએ તો જો રૂટ તેનાં અન્ય ત્રણ સમકાલીન મહાન બેટર્સ કરતાં ઘણો આગળ નીકળી ગયો છે. ફેબ ફોરમાં જો રૂટ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 10 હજારથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ આ યાદીમાં બીજા નંબરે છે. તેણે 109 ટેસ્ટ મેચમાં 9685 રન બનાવ્યા છે. ત્યાર બાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. જેના નામે 113 ટેસ્ટમાં 8848 રન છે. કેન વિલિયમસનઆ ચાર મોર્ડન એરા ગ્રેટ બેટર્સમાં ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડના આ જેન્ટલમેન બેટ્સમેને 100 ટેસ્ટ મેચમાં 8743 રન બનાવ્યા છે.
દેખીતી રીતે જ વિરાટ કોહલી, સ્મિથ અને કેન વિલિયમસનની સરખામણીમાં જો રૂટ હવે સૌથી વધુ ટેસ્ટ રનની યાદીમાં ઘણો આગળ નીકળી ગયો છે. કારણ કે વિરાટ, સ્મિથ અને વિલિયમસનનો પહેલો ટાર્ગેટ 10,000 રન પૂરા કરવાનો રહેશે. જ્યારે જો રૂટ હવે કુમાર સંગાકારા (12400), એલિસ્ટર કૂક (12472) અને રાહુલ દ્રવિડ (13288)ને પાછળ છોડી શકે છે કે કેમ તે જોવાનું રહેશે. જો રૂટ જે ફોર્મમાં છે તે જોતાં આ વર્ષે જ તે સંગાકારા અને એલિસ્ટરકૂકને પાછળ છોડી દેશે. રાહુલ દ્રવિડનો રેકોર્ડ પણ જો રૂટના નિશાન પર છે, પરંતુ આ માટે તેણે આવતા વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.