કોહલીનો ક્રેઝ: સ્ટેડિયમ બહાર રાતના 3 વાગ્યાથી બે કિ.મી. લાંબી લાઈન, ધક્કામુક્કીમાં ત્રણને ઈજા
Virat Kohli in Ranji Trophy: ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ રણજી મેચ રમવા આવ્યો છે. કોહલી દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 30 જાન્યુઆરીથી રેલવે સામે આ મેચ શરૂ થઈ છે. મેચમાં દિલ્હીની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહી છે.
કોહલીને જોવા ફેન્સ થયા પાગલ
દિલ્હીના ફેન્સ વિરાટ કોહલીને જોવા માટે ઉત્સાહિત હતા. સવારે 3 વાગ્યાથી અરુણ જેટલી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા. એવામાં સ્ટેડીયમમાં જવા માટે ભારે અફરાતફરી મચી હતી, જેના કારણે અમુક ફેન્સ ઘાયલ પણ થયા હતા. લોકો ગેટ-16ની બહાર એકબીજાને ધક્કો મારવા લાગ્યા. જેના કારણે કેટલાક ફેન્સ એન્ટ્રી ગેટ પાસે પડીને ઘાયલ થયા હતા.
સ્ટેડીયમમાં અફરાતફરી મચી જતા ત્રણ ફેન્સ ઘાયલ
આ ઘટનામાં ત્રણ ફેન્સ ઘાયલ થયા છે. જ્યારે પોલીસની એક બાઇકને પણ નુકસાન થયું હતું. કેટલાક લોકો તેમના શુઝ અને ચપ્પલ ત્યાં જ છોડી ગયા હતા. દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના સુરક્ષા કર્મચારીઓ અને પોલીસકર્મીઓ દ્વારા ઘાયલ ચાહકોને ગેટ પાસે સારવાર આપવામાં આવી હતી. ભીડને કાબૂમાં લેવાના પ્રયાસમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.
આ પણ વાંચો: ભારતનો નવો સ્ટાર બેટર ICC T20 રેન્કિંગમાં ચમક્યો, 4 ઈનિંગમાં સતત નોટઆઉટ રહ્યો હતો
13 વર્ષ બાદ રણજી મેચ રમી રહ્યો છે કોહલી
જણાવી દઈએ કે કોહલીએ છેલ્લે 2012માં રણજી મેચ રમી હતી. ત્યાર બાદ તેણે છેલ્લી રણજી મેચ ઉત્તર પ્રદેશ સામે ગાઝિયાબાદમાં રમી હતી. હવે લગભગ 13 વર્ષ બાદ તે રણજી મેચ રમવા આવ્યો છે. પહેલા એવું લાગતું હતું કે આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ નહીં થાય. પરંતુ છેલ્લી ઘડીએ મોટો ફેરફાર થયો અને આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે.