IND vs AUS: વિરાટ કોહલીને ઈજાનો ખતરો! ટેસ્ટ સીરિઝ પહેલા સ્કેન કરાવવા પહોંચ્યો, ફેન્સના વધ્યા ધબકારા
IND vs AUS, Virat Kohli : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલીએ અજાણી ઈજા માટે સ્કેનીંગ કરાવ્યું હતું. તેણે 22 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝ પહેલા પર્થમાં આ સ્કેન કરાવ્યા હતા. જો કે કોહલીની ઈજાને લઈને હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.
પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી સ્કેનિંગ કરાવવા ગયો
ઓસ્ટ્રેલિયન મીડિયાના જણાવ્યા અનુસાર, ભારતીય બેટર 14 નવેમ્બરે સ્કેનિંગ માટે ગયો હતો.જો કે, કોહલી છેલ્લા બે દિવસથી ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનનો ભાગ લઇ રહ્યો હતો. તેણે 15 નવેમ્બરે મેચ સિમ્યુલેશનમાં પણ ભાગ લીધો હતો.
અન્ય ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત
કોહલીના સ્કેનિંગના આ સમાચાર એવા સમયે આવ્યો છે, જ્યારે ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્મા વિના પહેલી ટેસ્ટ રમવા જઈ રહી છે. તે અંગત કારણોસર પહેલી ટેસ્ટથી દૂર રહી શકે છે. આગાઉ યુવા બેટર સરફરાઝ ખાન પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને કોણીમાં ઈજા થઈ હતી. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સંપૂર્ણ રીતે ફિટ છે. ટીમ મેનેજમેન્ટે તેનું સ્કેન કરાવ્યું નથી. આ સિવાય 15 નવેમ્બરે કેએલ રાહુલ મેચ સિમ્યુલેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેને પણ કોણી પાસે બોલ વાગ્યો હતો. આ પછી તેને રમત છોડી દેવી પડી હતી.
કોહલીનું ચિંતાજનક પ્રદર્શન
હાલ વિરાટ કોહલી ખરાબ પ્રદર્શનમાંથી પસાર થઈ રહ્યો છે. તે 2024માં એક પણ સદી ફટકારી શક્યો નથીં. તેણે આ વર્ષે 22.72ની સાધારણ સરેરાશથી રન બનાવાયા છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ પૂણે અને મુંબઈમાં રમાયેલી ટેસ્ટમાં તેણે કંઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. ન્યૂઝીલેન્ડ સામે તે છમાંથી ચાર ઇનિંગ્સમાં ડબલ ફિગર પણ પાર કરી શક્યો ન હતો.
ઓસ્ટ્રેલિયા સામે કોહલીનો રેકોર્ડ
કોહલી વર્ષ 2020ની શરૂઆતથી જ ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તે 60 ઇનિંગ્સમાં 31.68ની સરેરાશથી રન બનાવ્યા છે. તેણે માત્ર બે સદી ફટકારી હતી. જો કે, ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ સારો રહ્યો છે. જ્યાં તેણે છ સદી ફટકારીને 54.08ની સરેરાશથી 1352 રન બનાવ્યા છે. હાલમાં તે પાંચમી વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.