પાકિસ્તાન આવશે તો કોહલી ભારતની મહેમાનગતિ ભૂલી જશે, પૂર્વ પાક. ક્રિકેટરની મસ્કાબાજી!
દિગ્ગજ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ફેન્સ દુનિયાભરમાં ખૂણે ખૂણે ફેલાયેલા છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટન શાહિદ આફ્રિદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે વિરાટ કોહલીના પાકિસ્તાનમાં ઘણા ચાહકો છે. તેણે કહ્યું હતું કે, 'જો વિરાટ કોહલી પાકિસ્તાન આવશે તો ભારતની મહેમાનગતિ ભૂલી જશે! પાકિસ્તાનમાં વિરાટના ઘણા ચાહકો છે. અમે વિરાટને પાકિસ્તાનમાં રમતો જોવા માટે ઉત્સુક છીએ.'
2025માં ICC ની મોટી ટુર્નામેન્ટ રમાવાની છે. આ ટુર્નામેન્ટ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી. જેના યજમાન તરીકે પાકિસ્તાન છે. પાકિસ્તાન કોઈપણ હિસાબે ભારતીય ક્રિકેટર્સને પોતાના દેશમાં આમંત્રિત કરવા અને આ ટુર્નામેન્ટમાંથી રોકડી કરવા ઉત્સુક છે. જો અગાઉની મોટી ટુર્નામેન્ટ એશિયા કપની જેમ ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા જવાની ના પાડી દે તો આયોજક તરીકે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને ઘણું નુકસાન થઈ શકે છે.
દેખીતી રીતે જો ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું હોય તો જે તે દેશના ટુરિઝમને અને ક્રિકેટ બોર્ડને ઘણો ફાયદો થાય. પણ પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી કોઈ મોટી ટુર્નામેન્ટનું આયોજન થયું નથી. પાકિસ્તાનમાં અગાઉ શ્રીલંકન ક્રિકેટ ટીમની ટીમ બસ પર હુમલો થયો હતો જેના કારણે ક્રિકેટર્સને ગંભીર ઇજા પણ થઈ હતી. આ ઘટના બાદથી કોઈપણ ક્રિકેટ ટીમ પાકિસ્તાન પ્રવાસે જવા તૈયાર નહોતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ફરીથી ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતની ટીમોએ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે જવાનું જોખમ લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ પાકિસ્તાન યજમાન હોય ત્યારે શ્રેણી યુનાઈટેડ આરબ અમીરાતમાં રમાતી હતી.
આતંકવાદ અને પાડોશી દેશ દ્વારા ભારતમાં કરાવવામાં આવી રહેલા હુમલાઓના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ભારત પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા નથી જતું. એશિયા કપ દરમિયાન પણ ભારત આ જ નિયમને વળગી રહ્યું હતું. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતે અગાઉથી ઇરાદો સ્પષ્ટ કરી દીધો હોવાથી ભારતની મેચો શ્રીલંકા અથવા યુનાઈટેડ આરબ અમીરાતમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે. જેના કારણે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ સહિત બોર્ડ પણ તમામ રીતે ભારતીય ટીમને આમંત્રણ આપવાના પ્રયાસો કરી રહ્યા છે.