VIDEO : સાઉથ આફ્રિકામાં વાગ્યું 'રામ સિયા રામ...' તો કોહલીએ જોડ્યા હાથ, ધનુષ ચલાવવાની કરી એક્શન
પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 55 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી
ભારત તરફથી મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગનું પ્રદર્શન કરતા 6 વિકેટ ઝડપી હતી
IND vs SA 2nd Test : ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર ચાહકોનું મનોરંજન કરતો જોવા મળે છે. કંઇક આવું જ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પણ જોવા મળ્યું હતું. સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર કેશવ મહારાજ જયારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે સ્ટેડિયમમાં આદિપુરુષ ફિલ્મનું ‘રામ સિયા રામ’ ગીત વાગી રહ્યું હતું. આ જોઇને કોહલી ખુશ થઇ ગયો હતો. તેણે હાથ જોડ્યા અને ભગવાન રામની જેમ ધનુષ ચલાવવાનો ઈશારો કર્યો હતો. કોહલીનો આ અંદાજ જોઇને મેદાનમાં હાજર દર્શકો ખુશ થઇ ગયા હતા.
ભારત સામે ત્રીજી વનડે મેચ દરમિયાન પણ વાગ્યું હતું ‘રામ સિયા રામ’
આ પહેલા પણ જયારે કેશવ મહારાજ ભારત સામે ત્રીજી અને અંતિમ વનડે મેચમાં બેટિંગ કરવા ઉતર્યો હતો ત્યારે પણ આ જ ગીત વગાડવામાં આવ્યું હતું. તે સમયે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એલ રાહુલે કેશવ મહારાજને હસીને કહ્યું હતું કે મહારાજ, તમે જ્યારે પણ મેદાનમાં આવો છો ત્યારે ડીજે 'રામ સિયા રામ' ગીત વગાડે છે. આના પર મહારાજ તેની વાત સાથે સહમત થતા લાગે છે અને પછી હસવા લાગે છે.
મોહમ્મદ સિરાજે ઝડપી 6 વિકેટ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચઈ ટેસ્ટ સીરિઝની બીજી મેચ આજે કેપ ટાઉનમાં રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. સાઉથ આફ્રિકાની ટીમ 55 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી, જયારે જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે 2-2 વિકેટ લીધી હતી.