'લડે વિરાટ કોહલી અને ભોગવવું પડે આખી ટીમને...', સુનિલ ગાવસ્કર બરાબરના ગુસ્સે થયા
Sunil gavaskar got angry on virat kohli : ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલ તેના ખરાબ પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. વિરાટની કૅપ્ટનશીપ દરમિયાન તેણે જે રીતે મેદાન પર પોતાની આક્રમકતા વડે વિરોધી ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. તેના માટે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વિરાટે ઓસ્ટ્રેલિયા જઈને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો અને ભીડ સાથે તેમની જ ભાષામાં વાત કરી હતી. જેને લઈને અનેક વિવાદો થયા હતા. હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે વિરાટની મેદાન પર આક્રમકતાને લઈને કેટલીક વાતો કહી છે.
શું હતો સમગ્ર વિવાદ?
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં વિરાટે 23.75ની સરેરાશથી માત્ર 190 રન બનાવ્યા હતા. સીરિઝની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી. જ્યાં વિરાટે બીજી ઇનિંગમાં અણનમ સદી ફટકારી હતી. પરંતુ ત્યારબાદ આખી સીરિઝ દરમિયાન તેનું બેટ શાંત રહ્યું હતું અને તે આખી સીરિઝમાં આઉટગોઇંગ બોલને રમવા જતાં વારંવાર આઉટ થયો હતો. પરંતુ તેણે પોતાની ભૂલમાંથી કંઈ પણ શીખ્યું ન હતું અને તે ટીકાકારોના નિશાના પર આવી ગયો હતો. આ દરમિયાન સેમ કોન્સટાસે મેલબર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યુ કર્યું હતું. મેલબર્નમાં 19 વર્ષના કોન્સટાસ અને વિરાટ વચ્ચે વિવાદ થયો હતો. વિરાટે કોન્સટાસને ખભ્ભો માર્યો હતો. આ સમગ્ર વિવાદ બાદ ICCએ તેને દંડ પણ ફટકાર્યો હતો.
આ પણ વાંચો : 'બુમરાહ તો વર્લ્ડક્લાસ બોલર છે..', ઝઘડો કરનારા સેમ કોન્સટાસનું મોટું નિવેદન
ગાવસ્કરે શું કહ્યું ?
હવે આ વિવાદ અંગે પૂર્વ ક્રિકેટર ગાવસ્કરે કહ્યું છે કે, 'વિરાટ કોહલીએ ખભ્ભો માર્યો એ બિલકુલ ક્રિકેટની વિરુદ્ધ છે. જ્યારે ભારતીયોને ઉશ્કેરવામાં આવે છે ત્યારે તે તેનો જવાબ આપવામાં બિલકુલ શરમાતો નથી. પરંતુ અહીં તો કોઈએ વિરાટને ઉશ્કેર્યો પણ ન હતો. ખેલાડીઓ અનુભવથી શીખે છે કે ભીડ પર ગુસ્સો કરવો એ સારી વાત નથી. જે લોકો ક્રિકેટનો આનંદ માણવા સ્ટેડિયમમાં આવ્યા છે. જો તેઓ કોઈ પણ ખેલાડીની હૂટિંગ કરે છે. તો તેમની કોઈ ખેલાડી સામે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી હોતી. પરંતુ તેઓ તેમના મનોરંજન માટે આવું કરતા હોય છે. જો ખેલાડીઓ આવી બાબતો પર પ્રતિક્રિયા આપે છે તો તે સારી વાત નથી. એ તેમને જ નુકસાન પહોંચાડે છે. કોહલીએ સમજવું પડશે કે જો આવા કિસ્સાઓમાં તે ભીડ સામે થઈ જાય છે. તો તેની સાથે અન્ય ખેલાડીઓએ તેનો ભોગ બનવું પડે છે. કારણ કે આને લીધે તેમના પર દબાણ વધે છે. આ પછી સ્ટેડિયમમાં પહોંચેલા લોકોના નિશાના પર અન્ય ખેલાડીઓ પણ આવી જતા હોય છે.