કોહલીની સુરક્ષામાં ચૂક: રણજી મેચ દરમિયાન મેદાનમાં ઘૂસ્યો ચાહક, વીડિયો વાઇરલ
Virat Kohli Fan Breaches Security Railways vs Delhi Match: વિરાટ કોહલીની એક ઝલક જોવા માટે ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. દિલ્હી અને રેલવે વચ્ચે રણજી ટ્રોફી 2024-25 મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલી દિલ્હી ટીમનો હિસ્સો છે. આ મેચ આજથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ મેચ દરમિયાન કોહલીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. મેચમાં વિરાટ કોહલીને જોવા માટે ચાહકો સ્ટેન્ડમાં હાજર હતા, ત્યારે એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને મેચ દરમિયાન મેદાનમાં ઘૂસી આવ્યો હતો.
મેચ દરમિયાન મેદાનમાં ઘૂસ્યો ચાહક
મેચ દરમિયાન ચાહકનો મેદાનમાં ઘૂસવાનો વીડિયો સોશિયલ મીડિયા પર હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ફેન સ્ટેન્ડમાંથી બહાર આવે છે અને સીધો કિંગ કોહલી તરફ દોડી જાય છે. આ સમય દરમિયાન કોહલી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો છે. ચાહક ત્યાં પહોંચીને તરત જ કોહલીના પગ સ્પર્શ કરે છે.
સુરક્ષા ગાર્ડ ચાહકને પકડીને સ્ટેડિયમની બહાર લઈ ગયા
ત્યારબાદ તરત જ સુરક્ષા ગાર્ડ મેદાનમાં દોડી આવે છે અને ચાહકને પકડીને સ્ટેડિયમની બહાર લઈ જાય છે. આ સમય દરમિયાન મેચ થોડા સમય માટે અટકી જાય છે. પછી સુરક્ષા કર્મચારીઓ ચાહકને મેદાનની બહાર લઈ જાય છે અને પછી મેચ ફરી શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે મેચમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
IPLમાં આવા દ્રશ્યો ઘણી વખત જોવા મળ્યા છે
તમને જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી કે કોઈ ચાહક મેચ દરમિયાન વિરાટ કોહલી અથવા તેના મનપસંદ ક્રિકેટરોને મળવા માટે મેદાનમાં ઘૂસી આવ્યો હોય, આવા દ્રશ્યો ઘણીવાર જોવા મળે છે. IPLમાં આવા દ્રશ્યો ઘણી વખત જોવા મળ્યા છે, જ્યારે ચાહકો સુરક્ષા ઘેરો તોડીને વિરાટ કોહલીને મળવા આવ્યા હોય છે.
વિરાટ કોહલીની 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી
નોંધનીય છે કે, વિરાટ કોહલીની 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી થઈ છે. આ પહેલા કોહલીએ ટુર્નામેન્ટની છેલ્લી મેચ નવેમ્બર 2012માં રમી હતી. હવે ચાહકો રેલવે સામેની મેચમાં કોહલીની બેટિંગ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.