IPL સુરક્ષામાં થઈ મોટી ચૂક, મેચ દરમિયાન જ દર્શકે મેદાનમાં ઘુસીને કોહલીના પગ પકડ્યા
RCBએ પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું હતું
Image:Screengrab |
Virat Kohli Fan Breaches IPL Security : IPL 2024ની છઠ્ઠી મેચ ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ 4 વિકેટથી પંજાબને હરાવી સિઝનની પ્રથમ જીત મેળવી હતી, પરંતુ આ દરમિયાન એક મોટી ભૂલ પણ જોવા મળી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 49 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષામાં ચૂક જોવા મળી હતી.
IPL સુરક્ષામાં મોટી ચૂક
પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં RCBએ 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જયારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ફેન અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો. તે સીધો કોહલી પાસે પહોંચી ગયો અને તેના પગે પડવા લાગ્યો હતો. સુરક્ષાકર્મી પણ તેની પાછળ દોડી આવ્યા હતા. એક ગાર્ડે તે ફેનને ઉઠાવ્યો, પરંતુ તે પછી તેણે કોહલીને પકડી લીધો હતો. ત્યારે પાછળથી અન્ય એક સુરક્ષાકર્મી આવ્યો અને તેને પકડીને બહાર લઈ ગયો. IPL અને ખેલાડીઓની સુરક્ષામાં આ એક મોટી ચૂક છે.
અફઘાનિસ્તાન સામેની T20I સીરિઝ દરમિયાન પણ બની હતી આવી ઘટના
IPL કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર નથી જ્યારે સુરક્ષામાં ચૂકની ઘટના સામે આવી હોય. આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની બીજી T20I મેચ દરમિયાન એક ફેન મેદાનમાં ઘુસી ગયો હતો. તે દરમિયાન તે પ્રશંસકે કોહલીને ગળે લગાવ્યો હતો. તે સમયે કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ સીરિઝમાં કોહલી 14 મહિના બાદ T20I વાપસી કરી રહ્યો હતો.