Get The App

ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલીને 'વિરાટ' ઝટકો, 10 વર્ષ બાદ ટોપ-20થી પણ બહાર ફેંકાયો

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલીને 'વિરાટ' ઝટકો, 10 વર્ષ બાદ ટોપ-20થી પણ બહાર ફેંકાયો 1 - image

ICC Test Ranking, Virat Kohli : તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને ભારે નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શનને કારણે કોહલી બેટિંગ રેન્કિંગમાં ટોપ-20માંથી પણ બહાર થઈ ગયો છે. 2014 પછી આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર તહી ગયું હોય. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની ટેસ્ટ સીરિઝમાં 70 રનના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે માત્ર 93 રન બનાવ્યા હતા. અને હવે તે 10 વર્ષ પછી ટેસ્ટ ફોર્મેટમાં પુરુષોના બેટરોની ICC રેન્કિંગમાં સરકીને 22મા ક્રમે આવી ગયો છે.

ભારતના સ્ટાર બેટરોનું સતત નિરાશાજનક પ્રદર્શન

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતના અનુભવી બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા ફ્લોપ રહ્યા હતા. અને સ્પિનરો સામે સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ પહેલી ટીમ હતી જેણે ભારતને તેના ઘરઆંગણે 3-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ કંઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. તેને બે સ્થાનનું નુકસાન થયું હતું. અને હવે તે રેન્કિંગમાં 26માં સ્થાને છે.

જો રૂટ ટેસ્ટમાં બેટિંગ રેન્કિંગમાં ટોચ પર

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. તેણે પાકિસ્તાન પ્રવાસ પર બેવડી સદી ફટકારી હતી. રૂટ પછી કેન વિલિયમસન અને હેરી બ્રુકનો નંબર આવે છે. ભારતના યુવા બેટર યશસ્વી જયસ્વાલને પણ એક સ્થાનનું નુકસાન થયું છે. અને તે ચોથા સ્થાને સરકી ગયો છે. આ સિવાય વિકેટકીપર અને બેટર રિષભ પંતને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. અને તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલ 16માં સ્થાને છે.

આ પણ વાંચો : પહેલીવાર IPLની હરાજીમાં જોડાયો યુરોપિયન ખેલાડી! રન આપવામાં છે ઘણો 'કંજૂસ', જાણો તેના વિશે

રવીન્દ્ર જાડેજાએ લગાવી રેન્કિંગમાં છલાંગ 

ભારતનો અનુભવી સ્પિનર ​​રવીન્દ્ર જાડેજા તાજેતરની રેન્કિંગમાં બે સ્થાન ઉપર આવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. હાલ અશ્વિન પાંચમા સ્થાને છે. જાડેજાએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં 10 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ બોલરોની સમાન યાદીમાં વોશિંગ્ટન સુંદર સાત સ્થાન આગળ વધીને 46મા ક્રમે પહોંચ્યો છે. જ્યારે એજાઝ પટેલ 12 સ્થાન ઉપરથી 22મા ક્રમે અને ઈશ સોઢી ત્રણ સ્થાન આગળ વધીને 70મા ક્રમે છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલીને 'વિરાટ' ઝટકો, 10 વર્ષ બાદ ટોપ-20થી પણ બહાર ફેંકાયો 2 - image


Google NewsGoogle News