વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ! ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 14000 રન પૂરા કરનારો પહેલો બેટર બન્યો
IND vs PAK: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અનેક ઐતિહાસિક રેકૉર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો જબરદસ્ત રેકૉર્ડ તોડ્યો છે. કોહલી હવે વનડે (ODI) ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન પૂરા કરવાનો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. જણાવી દઈએ કે, વનડેમાં વિરાટ કોહલી દુનિયામાં માત્ર ત્રીજો બેટર છે, જે 14 હજાર રનને પાર પહોંચ્યો છે. આ અગાઉ સચિન તેંદુલકર અને કુમાર સંગકારા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.
કોહલીએ સૌથી ઝડપી 14000 રન કર્યા પૂરા
કોહલીએ આ ઉપલબ્ધિ 299મી વનડે મેચની 287મી ઈનિંગમાં હાંસલ કરી છે. આ પહેલા આ રેકૉર્ડ સચિનના નામે હતો, જેમણે 350મી ઈનિંગમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો. સચિન બાદ શ્રીલંકાના કુમાર સંગકારાનો નંબર હતો, જેમણે 378 ઈનિંગ્સમાં 14 હજાર વનડે રન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રૉફીના પહેલા મુકાબલામાં બાંગ્લાદેશ વિરૂદ્ધ 22 રન બનાવ્યા હતા. ત્યારે તેઓ આ ઐતિહાસિક રેકૉર્ડથી માત્ર 15 રન દૂર રહી ગયા હતા. પરંતુ હવે તેમણે પાકિસ્તાન વિરૂદ્ધ દુબઈમાં રમાયેલા આ મુકાબલામાં આ રેકૉર્ડ હાંસલ કરી લીધો છે. કોહલીએ 13મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો લગાવતા આ રેકૉર્ડ બનાવ્યો છે.
વનડેમાં સૌથી વધુ 50+ સ્કોર
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેના મુકાબલામાં ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ તેઓ પોતાના નામે વધુ એક રેકૉર્ડ કરી લીધો છે. વિરાટ કોહલી વનડેમાં સૌથી વધુ 50+ સ્કોર કરનારો બેટર બની ગયો છે. આ મામલે વિરાટ કોહલીએ સચિન તેંદુલકરની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીએ 23 વખત 50+ સ્કોર કર્યો છે, જ્યારે સચિન તેંદુલકરે પણ 23 વખત 50+ સ્કોર કર્યો હતો. જ્યારે રોહિત શર્માએ 18 વખત, કુમાર સંગકારાએ 17 વખત અને રિકી પોન્ટિંગે 16 વખત 50+ સ્કોર કર્યો હતો.
સૌથી વધુ કેચનો રેકૉર્ડ
દુબઈમાં રમાઈ રહેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરી અને પાકિસ્તાનને 241 રન પર ઑલઆઉટ કરી દીધું. પાકિસ્તાનને ઑલઆઉટ કરવામાં વિરાટ કોહલીએ પણ પોતાનું યોગદાન આપ્યું, જેમણે આ દરમિયાન બે કેચ પકડ્યા. જેમાં પહેલા કેચની સાથે જ તેઓ ભારતના સૌથી સફળ ફીલ્ડર બની ગયા. પાકિસ્તાની ઈનિંગની 47મી ઓવરમાં કુલદીપ યાદવના બોલ પર વિરાટ કોહલીએ લૉન્ગ ઑન પર નસીમ શાહનો કેચ પકડ્યો અને તેની સાથે જ તેઓ વનડેમાં સૌથી વધુ કેચ પકડનારા ભારતીય ફીલ્ડર બની ગયા.