વિરાટ અને રોહિત બંને ભારત માટે અણમોલ: ગૌતમ ગંભીરે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કર્યા વખાણ
Gautam Gambhir praises Virat & Rohit : હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માનું બેટ શાંત છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને બંને ખેલાડીઓ પર પૂરતો ભરોસો છે. તેનું માનવું છે કે, આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલી અને રોહિતે મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી પડશે. હાલમાં બંને ખેલાડીઓ ફોર્મથી બહાર ચાલી રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં બંને ખેલાડી રન નથી બનાવી રહ્યા. જેને લઈને તેમના ભવિષ્ય અંગે સવાલો થઇ રહ્યા છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની પાસે ફરીથી ફોર્મમાં વાપસી કરીને શાનદાર પ્રદર્શન કરવાની તક છે.
શું કહ્યું ગૌતમ ગંભીરે?
કોચ ગૌતમ ગંભીરે રોહિત અને કોહલીના ફોર્મને લઈને જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ડ્રેસિંગ રૂમ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેઓ ભારતીય ક્રિકેટ માટે અણમોલ છે. તેમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં મહત્ત્વની જવાબદારી નિભાવી પડશે. મેં આગાઉ પણ કહ્યું હતું કે, આ ખેલાડીઓ રન બનાવવા માટે ભૂખ્યા છે. તેઓ દેશ માટે રમવા માંગે છે. તેમનામાં દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું ઝનૂન છે.'
ટેસ્ટમાં ફેલ પણ મર્યાદિત ઓવરની મેચમાં પાસ
રોહિત અને કોહલી બંને ભલે અત્યારે ટેસ્ટ ફોર્મેટમાં સારું પ્રદર્શન ન કરી રહ્યા હોય તો પણ મર્યાદિત ઓવરમાં તેઓ સારો દેખાવ કરી રહ્યો છે. બંને વર્લ્ડકપ 2023માં સૌથી વધુ બનાવનાર ખેલાડીઓ રહ્યા હતા. પછી પણ બંને ખેલાડીઓએ T20 વર્લ્ડકપમાં પણ નિર્ણાયક ઇનિંગ રમી હતી. રોહિત છેલ્લે શ્રીલંકા સામેની સીરિઝમાં સારા રન બનાવ્યા હતા. આ સીરિઝમાં કોહલીનું બેટ ચાલી શક્યું ન હતું. પરંતુ ચેમ્પિન્સ ટ્રોફી પહેલા બંને પાસે ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝમાં પોતાનું ફોર્મ ફરીથી મેળવવાની તક હશે.
આ પણ વાંચો : ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત બની અંડર 19 વર્લ્ડકપ ચેમ્પિયન, સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડી
દરેક મેચ 'કરો યા મરો'
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ગંભીરે કહ્યું હતું કે, 'આ ટુર્નામેન્ટમાં આરામ કરવાનો સમય નહી મળે કારણ કે સેમિ ફાઈનલ પહેલા ત્રણ મેચો જ રમવાની છે. 50 ઓવરના વર્લ્ડકપ કરતા ચેમ્પિયન્સ ટ્રોફીનો અલગ જ પડકાર છે. લગભગ દરેક મેચ 'કરો યા મરો'નો હશે. તેથી અમને વિશ્વાસ છે કે, અમે સારી શરૂઆત કરી શકીશું કારણ કે જો તમે ટુર્નામેન્ટને જીતવા માંગો છો તો બધી જ મેચ તમારે જીતવી પડશે.'