1 થી 11મા ક્રમ સુધી બેટિંગ... અનોખો રેકોર્ડ બનાવ્યો હતો ભારતીય ક્રિકેટરે, દીકરો પણ ભારત માટે ક્રિકેટ રમ્યો
Vinoo Mankad: ભારતીય ક્રિકેટના દાયકાઓ જૂના ઇતિહાસમાં કેટલાક એવા ખેલાડીઓ ઉભરી આવ્યા છે જેમણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે. કપિલ દેવને મહાન ભારતીય ઓલરાઉન્ડર માનવામાં આવે છે, જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. આ યાદીમાં વિનુ માંકડનું નામ પણ સામેલ છે, જે ડાબા હાથના સ્પિન બોલર અને જમણા હાથના બેટ્સમેન હતા. આજે વિનુ માંકડની 108મી જન્મજયંતિ છે.
ટેસ્ટ ડેબ્યૂ પર ધમાલ, અંગ્રેજોની કમર તોડી
ગુજરાતના જામનગરમાં જન્મેલા વિનુ માંકડનું સાચું નામ મૂળવંતરાય માંકડ હતું, પરંતુ શાળાના સમયથી જ તેઓ 'વિનુ' ઉપનામથી જાણીતા થયા. વિનુની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી 1935માં જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ 1937-38માં લોર્ડ ટેનિસનની ઈંગ્લિટીમ સામે શાનદાર પ્રદર્શન કરીને તેને અસલી ખ્યાતિ મળી. ત્યારબાદ બ્રિટિશ ટીમે ભારતીય ટીમ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર પાંચ મેચની અનઓફિશિયલ ટેસ્ટ સિરિઝ રમી, જેમાં વિનુની બેટિંગ એવરેજ 62.66 અને બોલિંગ એવરેજ 14.53 રહી હતી.
પછી વિનુએ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ વર્ષ 1946માં ઈંગ્લેન્ડ સામે લોડ્સમાં કર્યું હતું. પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં વિનુએ અડધી સદી ફટકારવા ઉપરાંત બે વિકેટ પણ ખેરવી. જોકે, ભારત આ મેચ 10 વિકેટે હારી ગયુ હતું. 1932માં ટેસ્ટ ક્રિકેટની સફર શરૂ કરનારી ટીમ ઈન્ડિયાને પ્રથમ જીત 1952માં મળી હતી. આ ઐતિહાસિક જીતનો હીરો વિનુ માંકડ જ હતો. તેણે કુલ 12 (8+4) વિકેટ ઝડપીને ઈંગ્લિશ ટીમની કમર તોડી હતી. ચેપોક (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ)માં રમાયેલી આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ્સ અને 8 રનથી હરાવ્યું હતું.
વર્ષ 1952માં જ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઓપનિંગ કરતા વિનુ માંકડે લોડ્સમાં 72 અને 184 રનોની ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ તેણે બોલથી પણ શાનદાર પ્રદર્શન કરતા પાંક વિકેટ ઝડપી હતી. જોકે, ભારતીય ટીમને આ મેચમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વિનુએ પોતાના ખેલથી ચાહકોનું દિલ જીતી લીધુ હતું.
આ પણ વાંચો: BIG NEWS: પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
વિનુ માંકડે 1956માં પંકજ રોય સાથે મળીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે ચેપોકમાં ન્યુઝીલેન્ડ સામે વિનુ અને પંકજની જોડીએ 413 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, જે હજુ પણ લોકો ભૂલ્યા નથી. આ દરમિયાન વિનુએ 231 રન અને પંકજે 173 રન બનાવ્યા હતા. પંકજ અને વિનુનો આ વર્લ્ડ રેકોર્ડ 2008માં 52 વર્ષ પછી તૂટ્યો હતો. ત્યારે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન નીલ મેકેન્ઝી અને ગ્રીમ સ્મિથે બાંગ્લાદેશ સામે 415 રનની પાર્ટનરશિપ કરી હતી.
1 થી 11મા ક્રમ સુધી બેટિંગ
ટેસ્ટ ક્રિકેટમાં વિનુ માંકડના નામે એક અનોખો રેકોર્ડ છે. વિનુ ટેસ્ટ ક્રિકેટમાં 1 થી 11મા ક્રમ સુધી બેટિંગ કરતો હતો. વિનુ ઉપરાંત માત્ર ઈંગ્લેન્ડના વિલ્ફ્રેડ રોડ્સ અને ઓસ્ટ્રેલિયાના એડવર્ડ ગ્રેગરી જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. બે અન્ય ભારતીય બેટ્સમેન ફારૂક એન્જિનિયર અને રવિ શાસ્ત્રીએ ટેસ્ટ ક્રિકેટમાં 1-10 ક્રમ સુધી બેટિંગ કરી છે, પરંતુ તેમાંથી કોઈએ ક્યારેય 11 નંબર પર બેટિંગ નથી કરી.
વિનુ માંકડે લગભગ 13 વર્ષ (1946-59)ના પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં કુલ 44 ટેસ્ટ મેચ રમી. આ દરમિયાન તેણે 31.47ની એવરેજથી 2,109 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં વિનુએ 5 સદી અને 6 અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેણે બોલથી અસાધારણ પ્રદર્શન કરતા 162 વિકેટ ઝડપી છે. વિનુનું 21 ઓગષ્ટ 1978ના રોજ 61 વર્ષની ઉંમરમાં મુંબઈમાં નિધન થઈ ગયુ હતું. વિનુનો મોટો દીકરો અશોક માંકડે ભારત માટે 22 ટેસ્ટ અને 1 વનડે રમી હતી. વિનુના બે અન્ય પુત્રો અતુલ માંકડ અને રાહુલ માંકડ પણ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર રહ્યા છે.
માકડિંગને લઈને ચર્ચામાં
વિનુ માંકડને વિવાદોમાં પણ ઘસીટવામાં આવ્યા અને તેના જ નામ પર ક્રિકેટમાં 'માંકડિંગ'ની શરૂઆત થઈ. 1947માં વિનુએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો. ત્યારે વેણુ બોલિંગ કરી રહ્યો હતો. બ્રાઉન ક્રીઝ છોડીને જતાની સાથે જ વિનુએ તેને રન આઉટ કરી દીધો હતો. જોકે વિનુએ બ્રાઉનને આઉટ કરતા પહેલા ચેતવણી પણ આપી હતી. તે પ્રવાસ દરમિયાન વિનુએ બ્રાઉનને બે વાર આ જ રીતે આઉટ કર્યો હતો. ક્રિકેટના નિયમો પ્રમાણે આ રન આઉટ કાયદેસર છે. આમ છતાં આ પ્રકારના રન આઉટને 'માંકડિંગ' તરીકે ઓળખવામાં આવ્યું.