હવે કેવી છે વિનોદ કાંબલીની તબિયત? હોસ્પિટલમાં કર્યો ડાન્સ, વીડિયો વાઇરલ
Vinod Kambli: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. હાલ તેઓ મહારાષ્ટ્રના થાણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. વિનોદ કાંબલી યુરિનરી ઈન્ફેક્શન અને સ્નાયુઓમાં ખેંચાણથી પીડિત હતો. કાંબલીના મગજમાં લોહી ગંઠાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હવે તેની તબિયત સારી હોવાના અહેવાલો મળ્યા છે.
વિનોદ કાંબલી પહેલાં કરતાં ઘણા સારા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તે હોસ્પિટલ સ્ટાફ સાથે પ્રખ્યાત ગીત 'ચક દે ઈન્ડિયા' પર ડાન્સ કરતો પણ જોવા મળ્યો છે. તેમના ચાહકોએ આ વીડિયો શેર કર્યો છે. તેમજ ઝડપથી સાજા થઈ જવા પ્રાર્થના પણ કરી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં કાંબલી ડાન્સ કરતો જોવા મળ્યો છે. બે મહિના પહેલા પણ વિનોદ કાંબલીનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તે બાઇક પરથી ઉતરી શક્યો ન હતો. જ્યારે હાલમાં જ તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો દિવંગત કોચ રમાકાંત આચરેકર મેમોરિયલના ઉદ્ઘાટનનો હતો. આ દરમિયાન કાંબલી સચિન તેંડુલકર સાથે જોવા મળ્યો હતો.
કાંબલીની તબિયત લાંબા સમયથી ખરાબ
પોતાની તબિયત અંગે કાંબલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે યુરિનરી ઈન્ફેક્શનને કારણે મને ગયા મહિને ત્રણ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 21 ડિસેમ્બર શનિવારની રાત્રે તેમની તબિયત લથડી હતી. પરંતુ હવે તે પહેલા કરતાં વધુ સારી છે. કાંબલીએ હોસ્પિટલમાં તેમની સારવાર કરનારા ડૉક્ટર્સનો આભાર માન્યો હતો.
કાંબલીએ લોકોનો આભાર માન્યો
સોશિયલ મીડિયા પર એક સંદેશમાં વિનોદ કાંબલીએ તે તમામ લોકોનો આભાર માન્યો જેમણે આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેમનો સાથ આપ્યો. તેણે કહ્યું કે તેના અહીં સુધી પહોંચવામાં તેના ચાહકો, પ્રશંસકો અને શુભેચ્છકોનો સૌથી મોટો ફાળો છે. વિનોદ કાંબલીએ સારવાર અને સમર્થન માટે હોસ્પિટલના ડિરેક્ટર શૈલેષ ઠાકુરનો પણ આભાર માન્યો છે.
કાંબલીની આર્થિક સ્થિતિ ખરાબ
કાંબલીની આર્થિક સ્થિતિ ઘણા સમયથી કથળી રહી છે. તે બીસીસીઆઈ તરફથી મળેલા ત્રીસ હજાર રૂપિયાના પેન્શન પર જીવી રહ્યો છે. 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમે પણ તેને મદદ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ તેમની એક શરત હતી. કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજો ઈચ્છે છે કે કાંબલી પહેલા રિહેબ માટે જાય. તે પછી તેને મદદ કરવામાં આવશે. આકૃતિ હોસ્પિટલના ઈન્ચાર્જ એસ સિંહે કાંબલીની સારવારની જવાબદારી લીધી છે. એસ સિંહે કાંબલીને જીવનભર મફત સારવારનું વચન આપ્યું છે.