'વાળ જ 300 ગ્રામના હોય છે, કપાવી નાખ્યા હોત તો..', વિનેશ ડિસ્ક્વૉલિફાઈ થતાં સસરાની પ્રતિક્રિયા
Image Twitter |
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાંથી આજે સવારે ભારત માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઇનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતાં ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો હતો. ભારતે ઓલિમ્પિક અધિકારીઓને તેનું વજન ઘટાડવા માટે થોડો વધુ સમય આપવા વિનંતી કરી, પરંતુ તે સ્વીકારવામાં ન આવી અને ભારતીય કુસ્તીબાજને ગેરલાયક ઠેરવવામાં આવી છે.
જો એવું જ હતું તો વાળ કપાવી કાઢવા હતા: સસરા
આ મામલે વિનેશ ફોગટના સસરા રાજપાલ રાઠીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, 'ષડયંત્રની વાતને નકારી શકાય નહીં. કારણે માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી. વાળમાં જ 300 ગ્રામ વજન હોય છે. જો એવું જ હતું તો વાળ કપાવી કાઢવા હતા. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટના લગ્ન રેસલર સોમવીર રાઠી સાથે થયા છે. વિનેશે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 1 અને ટોક્યો ઓલિમ્પિક્સની ગોલ્ડ મેડલ વિજેતા જાપાનની યુઈ સુસાકીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.
આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગાટની તબિયત લથડી, હવે હાલત સ્થિર
વડાપ્રધાન મોદીએ IOA પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી સમગ્ર માહિતી મેળવી
તેમણે યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા મેળવી લીધી હતી. મહિલાઓની ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં વિનેશે સેમિફાઇનલ મેચમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેને યુએસએની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે મુકાબલો થવાના હતો. વડાપ્રધાન મોદીએ IOA પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી અને વિનેશના મામલામાં ભારત પાસે ઉપલબ્ધ વિકલ્પો વિશે માહિતી મેળવી હતી. તેમણે પીટી ઉષાને વિનંતી કરી કે, જો તે વિનેશને મદદ મળે તેમ હોય તો તેની અયોગ્યતા સામે સખત વિરોધ નોંધાવે.
PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું?
વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં અયોગ્ય ઠેરવવાનો મામલો સામે આવ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે, 'વિનેશ, તમે ચેમ્પિયનમાં ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આ આંચકો પીડાદાયક છે. હું ઇચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ.'