વિનેશ ફોગાટનો જીવ પણ જઈ શકતો હતો...: વજન ઘટાડવા મુદ્દે કોચનો ગંભીર ખુલાસો
Vinesh Phogat Coach Statement: ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકસ 2024ની ફાઇનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ઓલિમ્પિકસમાં વિનેશનું શાનદાર પ્રદર્શન જોઈને કરોડો ભારતીયોને આશા હતી કે આ વખતે વિનેશનો ગોલ્ડ મેડલ નિશ્ચિત છે. પરંતુ ફાઇનલ મેચ પહેલા વિનેશને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે વિનેશ તેમજ તથા પૂરા દેશ માટે મોટો આંચકો હતો. જો કે, ફાઇનલ મેચ પહેલા વિનેશે પોતાનું વજન ઘટાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જેને લઈને હવે તેના કોચે ખુલાસો કર્યો છે કે, વજન ઘટાડવાની કોશિશમાં તે પોતાનો જીવ પણ ગુમાવી શકે તેમ હતી.
તે પોતાનો જીવ પણ ગુમાવી શકી હોત
પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા રેસલિંગ ઇવેન્ટની ફાઇનલ મેચ પહેલા વિનેશ ફોગાટનું 100 ગ્રામ વજન વધારે આવ્યું હતું. જો કે, વિનેશે વજન ઘટાડવા માટે આગલી રાતે સખત મહેનત કરી હતી. વિનેશના કોચ વોલર અકોસે મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે, સેમિ ફાઇનલ બાદ વિનેશનું વજન 2.7 કિલો વધી ગયું હતું. વિનેશે એક કલાક અને વીસ મિનિટ સુધી કસરત કરી હતી છતાં પણ હજુ 1.5 કિગ્રા વજન વધુ હતું. તેના શરીર પર પરસેવાનું એક ટીપું પણ દેખાતું ન હતું. ત્યાં કોઈ વિકલ્પ બચ્યો ન હતો અને મધ્યરાત્રિથી સવારના 5:30 વાગ્યા સુધી તેણે અલગ-અલગ કાર્ડિયો મશીનો અને કુસ્તીના મુવ્સ પર કામ કર્યું હતું. તે દરમિયાન તે પડી પણ ગઈ હતી, પરંતુ કોઈક રીતે અમે તેને ઊંચકી હતી. મને ત્યારે લાગતું હતું કે તે પોતાનો જીવ પણ ગુમાવી શકી હોત.
ફાઇનલમાં ગેરલાયક ઠેરવાયા બાદ વિનેશે સીસીએમાં પોતાને સિલ્વર મેડલ આપવા માટેની અપીલ કરી હતી. 14 ઑગસ્ટના રોજ સીસીએએ વિનેશની અપીલને ફગાવી દીધી હતી. જો કે આજે 16 ઑગસ્ટે આ મામલાનો વિગતવાત નિર્ણય આવશે જેથી ખબર પડશે કે વિનેશની અપીલને કયા કારણોસર રદ કરાઈ હતી.