વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ! રેસલિંગની સેમિ ફાઇનલમાં પહોંચી, હવે મેડલથી માત્ર એક ડગલું દૂર
Paris Olympics 2024: ભારતની રેસલર વિનેશ ફોગાટે 50 kg ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વિનેશે અગાઉ પ્રિ ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની વર્લ્ડ નંબર વન અને ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા રેસલરને પછાડી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં પણ યુક્રેનની પ્રતિસ્પર્ધીને હરાવીને તેણે વિજય મેળવ્યો હતો. ઓકસાના લીવાચે છેલ્લે છેલ્લે પોઇન્ટ મેળવવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ફાવી નહોતી.
યુઈ સુસાકી ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી હતી. તેને પરાજય આપવો વિનેશ માટે મુશ્કેલ લાગી રહ્યો હતો. પરંતુ તેણે પ્રતિસ્પર્ધીને પોતાના દાવથી ચોંકાવી અને ધોબીપછાડ આપી હતી.
આ સાથે વિનેશ હવે સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ ઇવેન્ટમાં વિનેશને ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. હવે માત્ર એક જ મેચ જીતવાથી તે મેડલ નિશ્ચિત કરી દેશે. ભારતને આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા છે.
છેલ્લી મિનિટમાં બદલાયો દાવ
રાઉન્ડ ઑફ 16માં વિનેશ શરુઆતમાં આ મુકાબલામાં પાછળ હતી અને છેલ્લી મિનિટ પહેલાં સુધી 2-0થી પાછળ હતી. છેલ્લી મિનિટમાં તેણે જબરદસ્ત દાવ લગાવીને 3-2થી મેચ પોતાના પક્ષમાં લાવી દીધી હતી અને યુઈ સુસાકીને હરાવી દીધી હતી. યુઈ સુસાકી નંબર વન રેસલર છે અને તે આજ સુધી ક્યારેય નહોતી હારી. પરંતુ ઓલિમ્પિક જેવા પ્લેટફૉર્મ પર વિનેશે પોતાનો વિજયી દાવ ખેલીને તેને પછાડી હતી. તો ક્વાર્ટર ફાઇનલમાં ઓકસાના લીવાચે પણ તેને છેલ્લી મિનિટમાં સારી એવી લડત આપી હતી પરંતુ વિનેશે તેને તક આપી નહોતી અને આખરે 7-5થી જીત નિશ્ચિત કરી હતી.